રાજધાની દિલ્હીમાં રસ્તા બન્યા તળાવ : શિમલા પાસે વાદળ ફાટ્યું, 20 ગાડીઓ તણાઇ-ઠેર ઠેર પાણી ભરાયા
શનિવારે રાત્રે અને રવિવારે સવારે વાવાઝોડા અને ભારે વરસાદ બાદ દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિલ્હીના મોતી બાગ, મિન્ટો રોડ, એરપોર્ટ ટર્મિનલ 1 પાસે પાણી ભરાઈ જવાથી સમસ્યાઓ વધી ગઈ હતી. ઠેર ઠેર રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા જેના કારણે વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દિલ્હીના મિન્ટો રોડ પર ભારે પાણી ભરાવાના કારણે એક કાર ડૂબેલી જોવા મળી હતી. 200 ફ્લાઇટોને અસર થઈ હતી. વાહનવ્યવહાર પણ મંદ પડી ગયો હતો.
બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં પણ વાતાવરણ પલટાઈ ગયું હતું અને સિમલામાં શનિવારે રાત્રે અને રવિવારે પણ અતિ ભારે વરસાદ થયો હતો અને સિમલા પાસે રામપુરમાં વાદળ ફાટતાં 20 થી વધુ વાહનો તણાઇ ગયા હતા. જો કે જાનહાનિના અહેવાલો નથી.
રવિવારે વહેલી સવારે રાજધાની દિલ્હી અને નજીકના નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામ સહિત સમગ્ર એનસીઆર ક્ષેત્રમાં ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને લાંબા સમય પછી કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જોકે, વરસાદને કારણે રાજધાનીના ઘણા ભાગોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી.
વાવાઝોડા અને વરસાદને કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 200 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. 25 થી વધુ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી, જ્યારે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી.
ગાઝિયાબાદમાં એસીપી ઓફિસની છત પડી : PSIનું મોત
દરમિયાનમાં યુપીના ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા પરિણામે જન જીવનને અને વાહનવ્યવહારને અસર થઈ હતી. ભારે વરસાદને પગલે અહીં એસીપી ઓફિસની છત તૂટી પડતાં પીએસઆઇનું કાટમાળ નીચે દબાઈ જતાં મૃત્યુ થયું હતું. ઇમારતમાં ભારે નુકસાની થઈ હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
કેરળમાં રાતભર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા
કેરળમાં શનિવારે આખી રાત ભારે વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો અને કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. લોકોએ રાત ઉજાગરો કર્યો હતો. હજુ પણ કેરળમાં વરસાદ ચાલુ જ રહેવાની આગાહી કરાઇ છે.