પેવિંગ બ્લોક બાબતે RMCના આસિસ્ટન્ટ ઇજનેર પર ફડાકાવાળીઃ વીજળીક હડતાલ, કોન્ટ્રાક્ટરે હાથ ઉપાડતાં કર્મચારીઓમાં રોષ
એક બાજુ વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને રાજકોટ શહેરના દરેક વિસ્તારમાં નવા રોડ-રસ્તા ઉપરાંત શેરી-ગલીઓમાં પેવિંગ બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નં.18ના આસિસ્ટન્ટ ઈજનેર ઉપર પેવિંગ બ્લોક નાખવા મુદ્દે પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ડેપ્યુટી ઈજનેરની ચેમ્બરમાં જ ફડાકાવાળી કરવામાં આવતાં ઈસ્ટ ઝોનના આસિ.ઈજનેર સહિતના તમામ કર્મચારીઓ વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા હતા.
આ અંગે જેના ઉપર ફડાકાવાળી થઈ તે વોર્ડ નં.18ના આસિસ્ટન્ટ ઈજનેર ધવલ ગોલાડિયાએ જણાવ્યું કે તેઓ સોમવારે પોતાની ફરજ પર હાજર હતા ત્યારે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી અલગ-અલગ સાંકળી શેરીઓમાં પેવિંગ બ્લોક નાખવા મુદ્દે ડેપ્યુટી ઈજનેરે તેમને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. આ વેળાએ પેટા કોન્ટ્રાક્ટર મનિષ વેકરિયા પણ ત્યાં હાજર હોય ડેપ્યુટી ઈજનેરની ચેમ્બરમાં પહોંચી ધવલ ગોલાડિયા વાતચીત કરી રહ્યા હતા બરાબર ત્યારે જ મનિષ વેકરિયાએ કોઈ મુદ્દે ક્રોધિત થઈ ફડાકા મારી દેતાં સૌ અચંબિત બની ગયા હતા.
આ પણ વાંચો :વધુ એક તકલીફ! હવે ક્યુઆર(QR)કોડવાળો જન્મનો દાખલો હશે તો જ નવું આધારકાર્ડ નીકળશે,નવો પરિપત્ર પ્રસિદ્ધ
ધવલ ગોલાડિયાએ જણાવ્યું કે અહીં પેવિંગ બ્લોક નાખવા સહિતના કામનો કોન્ટ્રાક્ટ પટેલ ક્નસ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે ત્યારે તેના દ્વારા પેટા કોન્ટ્રાક્ટ મનિષ વેકરિયાને આપવામાં આવ્યો છે. એકંદરે ડેપ્યુટી ઈજનેરની ચેમ્બરમાં જ ફડાકાવાળી થયાની જાણ થતાં ઈસ્ટ ઝોનના સિટી ઈજનેર મનોજ શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ સ્ટાફને સાથે રાખી સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યા હતા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલને ઉગ્ર રજૂઆત કરી કચેરીમાં જ રામધૂન બોલાવી હડતાલ પર બેસી જતાં તંત્રમાં પણ દોડધામ થઈ જવા પામી હતી.
મનિષ વેકરિયા સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ થાય, એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગણી
જેના ઉપર હાથ ઉપાડ્યો તે ધવલ ગોલાડિયા સહિતના કર્મચારીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે પેટા કોન્ટ્રાક્ટર મનિષ વેકરિયા સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવે તે ઉપરાંત કોન્ટ્રાક્ટર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તો જ હવે તમામ કર્મચારીઓ કામ ઉપર પરત ફરશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક કલાકથી મનિષ વેકરિયાને બોલાવવામાં આવી રહ્યો છે આમ છતાં તે આવી રહ્યો ન હોય તેના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
