ઋષભ પંત ટેસ્ટ સિરીઝમાંથી બહાર : પગની આંગળીમાં ફ્રેક્ચર થતા 6 સપ્તાહ નહીં રમી શકે,આ ખેલાડીને મળી શકે છે તક
ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતની ટિમના ખેલાડીઓને ઇજાઓનો સિલસિલો ચાલુ છે ત્યારે હવે ભારતને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વાઇસ કેપિટન ઋષભ પંતને પગમાં ગંભીર ઇજા થઇ છે જેના કારણે પંત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી જ બહાર થઈ ગયો છે. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે તેને પગમાં ઈજા થઈ હતી. આ પછી, તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો.ત્યારે સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તેનો પગનો અંગૂઠો તૂટી ગયો છે અને ડોકટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.

પંત પહેલી ઇનિંગમાં 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે બોલ તેના પગમાં વાગ્યો. ભારતીય ઇનિંગની 68મી ઓવરમાં ક્રિસ વોક્સનો બોલ તેના જમણા પગમાં વાગ્યો. આ પછી, તે જમીન પર સૂઈ ગયો અને ખૂબ પીડામાં જોવા મળ્યો. ફિઝિયો આવ્યા ત્યારે પણ તે પીડાથી કણસતો જોવા મળ્યો. પછી તેને ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે ચાલી શક્યો નહીં. પછી તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો. પંતના જમણા પગમાંથી લોહી નીકળતું જોવા મળ્યું, તેમજ શરીરના તે ભાગમાં ઘણો સોજો પણ હતો.

વાઇસ કેપ્ટ્ન સિરીઝમાંથી બહાર થતા ટિમને થશે નુકસાન
પંતનું બાકાત રાખવું એ એક મોટો આંચકો છે, કારણ કે તે ફોર્મમાં રહેલો બેટ્સમેન છે અને માન્ચેસ્ટર ટેસ્ટની પહેલી ઇનિંગમાં પણ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. હવે તે બેટિંગ કરવા પણ નહીં આવે, જેના કારણે ભારત આ ટેસ્ટમાં એક ઓછા બેટ્સમેન સાથે જશે. આ નુકસાન થઈ શકે છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલાથી જ શ્રેણીમાં 2-1થી આગળ છે. જો ભારતીય ટીમ આ ટેસ્ટ હારી જાય છે, તો શ્રેણી પણ ગુમાવી દેશે.

ઈશાન કિશન ટીમમાં પાછો ફરશે
ઋષભ પંતની ઈજા બાદ, એવા અહેવાલો છે કે પસંદગી સમિતિ પાંચમી ટેસ્ટ પહેલા ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવાનું વિચારી રહી છે. કિશન પણ પંતની જેમ ડાબા હાથનો આક્રમક બેટ્સમેન છે. સમાચાર લખાય ત્યાં સુધી, તેણે દેશ માટે બે ટેસ્ટ મેચ રમી છે. દરમિયાન, તેના બેટે ત્રણ ઇનિંગ્સમાં 78.00 ની સરેરાશથી 78 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં અડધી સદી ફટકારી છે.

ચાર ખેલાડીઓ ઘાયલ થયા છે
હાલમાં, ભારતીય ટીમ ખેલાડીઓની ઇજાઓથી પરેશાન છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણની ઇજાને કારણે પહેલાથી જ બહાર થઈ ગયા છે. આકાશ દીપ (જંઘામૂળ) અને અર્શદીપ સિંહ (અંગૂઠો) પણ તેમની ઇજાઓથી પીડાઈ રહ્યા છે. હવે પંતની ઇજાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે.
આ પણ વાંચો : વધુ એક વિમાન દુર્ઘટના : ચીનની સરહદ નજીક 63 વર્ષ જૂનું રશિયાનું પ્લેન ક્રેશ થતા 49 લોકોના મોત, જુઓ વિડીયો

