ખખડધજ રાજકોટ-ભાવનગર હાઈવેનું રિસર્ફેસીંગ શરૂ : રાજકોટથી 44 કિલોમીટર સુધીના માર્ગને 9 મહિનામાં ફરી ડામરથી મઢાશે
ખખડધજ હાલતમાં મુકાયેલા રાજકોટ-ભાવનગર રોડને સિક્સલેનમાં રૂપાંતરણ કરવા રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ હાલમાં આ રોડની હાલત અત્યંત ખરાબ હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટથી ભાવનગર હાઇવે ઉપર રાજકોટની હદ વિસ્તારમાં 44 કિલોમીટરના માર્ગને રૂપિયા 25 કરોડના ખર્ચે રિસર્ફેસીંગ કરવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. જો કે, નવ મહિનામાં હાઈવેને ડામરથી ફરી મઢવાની કામગીરી નવા મહિનામાં પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં કમોસમી વરસાદ આવતો હોવાથી ચોમાસા પહેલા ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં-જ્યાં વધુ ગાબડાં પડયા છે ત્યાં હાલમાં ડામર પાથરવામાં આવી રહ્યો છે.
રાજકોટ ગ્રામ્ય માર્ગ અને મકાન વિભાગનાઅધિકારી પટેલના જણાવ્યા મુજબ રાજકોટ -ભાવનગર હાઇવે સિક્સલેન પ્રોજેક્ટ મંજુર કરવામાં આવતા હાલમાં જમીન સંપાદન સહિતની કામગીરી ગતિમાં છે. જો કે, હાઇવે સિક્સલેનમાં રૂપાંતરિત થાય તે પૂર્વે આ બિસ્માર હાઈવેની મરામત કરવી જરૂરી હોય રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 25 કરોડના ખર્ચે રાજકોટ-ભાવનગર હાઈવેના રાજકોટ જિલ્લામાં આવતા 44 કિલોમીટરના ભાગને રીસરફેશ કરવા મંજૂરી આપવામાં આવતા હાલમાં મધુરમ એજન્સી મારફતે રીસરફેસ કામગીરી શરૂ કરવામાં આવી છે.વધુમાં નવ મહિનામાં હાઈવેને રીસરફેસ કરવાની મુદત આપવામાં આવી છે.જો કે, ચોમાસુ સીઝન નજીક હોવાની સાથે હાલમાં કમોસમી વરસાદ આવતો હોય હાલમાં જ્યાં જ્યાં રસ્તામાં વધુ નુકશાન છે તે ભાગમાં ડામર પાથરવામાં આવી રહ્યો છે અને મહીકા ગામના પાટિયા સુધીના ભાગમાં રીસરફેસની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું પણ તેમને જણાવ્યું હતું.
રાજકોટ- કાલાવડ હાઇવે ફોરલેન બનાવવા સર્વે
રાજકોટની આન,બાન, શાન ગણાતો કાલાવડ રોડ હવે છેક કાલાવડ સુધી ચાર માર્ગીય બનાવવામાં આવશે. હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ-કાલાવડ રોડને ફોરલેન બનાવવા માટે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી હોવાનું અને સર્વે પૂર્ણ થયા બાદ ટેન્ડર સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.