ટ્રેન મુસાફરીના 10 કલાક પહેલા તૈયાર કરાશે રિઝર્વેશન ચાર્ટ : વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ વહેલુ ખબર પડી જશે
રેલવેમાં મુસાફરી કરનારા પ્રવાસીઓના હિતમાં તંત્રએ નિર્ણય લઈને હવેથી રીઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપાડવાના 10 કલાક પહેલા તૈયાર કરવા આદેશ આપ્યો છે.
પહેલી વાર રેલવે બોર્ડે ચાર્ટ તૈયાર કરવાના સમયમાં સુધારો કર્યો છે. સવારે 5:00 થી બપોરે 2:00 વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનો માટે, પહેલો રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસે રાત્રે 8:00 વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે.
જ્યારે બપોરે 2:01 વાગ્યાથી રાતના 11:59 વાગ્યા સુધી અને રાતના 12 વાગ્યાથી સવારે 5 વાગ્યામાં ઉપડતી ટ્રેન માટે રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનથી 10 કલાક પહેલા તૈયાર કરાશે. અગાઉ રિઝર્વેશન ચાર્ટ માત્ર 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. જેના કારણે અંતિમ સમયે ટ્રેન મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ પણ વાંચો :ગુજરાતી પરિવારમાં આઘાતજનક ઘટના! અમેરિકામાં સિઝોફ્રેનિયા પીડિત પુત્રએ બીમાર પિતાની કરી ઘાતકી હત્યા
અત્યાર સુધી રેલવેમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિયમ હતો કે, ટ્રેનના પ્રસ્થાનના આશરે 4 કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવતો. જેનો અર્થ એ થતો કે, વેઇટિંગ લિસ્ટ અથવા RACમાં મુસાફરી કરનારા મુસાફરોને કન્ફર્મ સીટ મળી છે કે નહીં તેની માહિતી છેલ્લી ઘડીએ ઉપલબ્ધ થતી હતી.
