રેલવેના કર્મચારીની કુબુધ્ધિ : સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા અને નોકરીમાં પ્રમોશન મેળવવા ટ્રેકનાં પેડલોક કાઢી નાખ્યા
સુરત નજીક કીમ-કોસંબા રેલ્વે ટ્રેક સાથે છેડછાડનાં કેસમાં રેલ્વે કર્મચારી જ નીકળ્યો આરોપી : ત્રણની ધરપકડ
તાજેતરમાં સુરતનાં કીમ અને કોસંબા વચ્ચે રેલવેનાં ટ્રેક સાથે થયેલી છેડછાડનો મામલો બહાર આવ્યા બાદ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને રેલવેનો કર્મચારી જ આરોપી નીકળ્યો છે. પોલીસે કુલ ત્રણની ધરપકડ કરી છે અને તે પૈકી બે રેલવેના કર્મચારી છે. જેની ધરપકડ કરી છે તેમાં સુભાષ પોદાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલનો સમાવેશ થાય છે.
સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઇસરે પત્રકારોને જણાવ્યું હતું કે, આ બનાવને સૌ પ્રથમ જોનાર રેલ્વે કર્મચારી સુભાષ પોદ્દાર જ આરોપી છે.આ કર્મચારીએ એવું વિચાર્યું હતું કે હું પેડલોક કાઢી નાખીને ઉપરી અધિકારીને જાણ કરીશ તો મારી પ્રસંશા થશે અને મને એવોર્ડ મળશે. આ ઉપરાંત પોતે સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થશે અને નોકરીમાં પ્રમોશન પણ મળશે. આવું વિચાર્યા પછી આ ઘટનાને અંજામ આપ્યો હતો.
રેલવે કર્મચારી સુભાષ પોદારે જ સતર્કતા બતાવીને પ્રમોશન મેળવવા માટે 71 પેડલોક દૂર કર્યા હતા. તેમજ પેટ્રોલિંગ દરમ્યાન સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદારે પોતે જ ઉપજાવી કાઢી હતી. આ ઉપરાંત તેણે પેટ્રોલિંગ દરમ્યાન ત્રણ અજાણ્યા વ્યક્તિની ચહલપહલ જોઈ હોવાની વાત પણ કરી હતી. વહેલી સવારે 5.20 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા શખસોને જોતાં તેઓને બૂમો પાડતા તે નાસી છૂટ્યા હતા તેવું જણાવ્યું હતું.
આ અંગે તપાસ કરી રહેલી એજન્સી એનઆઇએને સૌ પ્રથમ સુભાષ ઉપર શંકા ગઈ હતી. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી તે પહેલા ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈપણ ફૂટ પ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતી. તેમજ ટ્રેક પરના 71 પેડ લોક કોઈ ટૂંક સમયમાં દૂર કરવા મુશ્કેલ હતા.ઘટનાસ્થળે પગના નિશાન કે અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી. તેથી NIAને પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલે છે.
આ સમગ્ર મામલે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, અમે 140 પોલીસકર્મીઓની ટીમ બનાવીને તપાસ કરી હતી અને ડ્રોનની પણ મદદ લીધી હતી. પોલીસના ધ્યાનમાં એક વાત આવી હતી કે, આરોપીઓ ટેક્નિકલ નોલેજ ધરાવે છે એ આ વાત પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે, તેઓએ રેલવેનાં સાધનો તોડ્યાં ન હતા પણ કાઢ્યાં હતા.