રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ એઇમ્સમાં આવતા દર્દીઓના સગાવ્હાલાને હવે રહેવા માટેની મળશે સુવિધા
રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ એઇમ્સમાં સારવાર લેવા આવતા દર્દી ઓના સગાવહાલાઓને રહેવાની સુવિધા મળી રહે તે હેતુ માટે રાજ્ય સરકારે રેનબસેરા નિર્માણ કરવા નક્કી કરી જિલ્લા કલેક્ટરને જમીન ફાળવવા સૂચના આપતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પરાપીપળીયા નજીક 3000 ચોરસમીટર જમીન ફાળવવા નિર્ણય કરી જમીનનો કબ્જો પણ સોંપી આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એઇમ્સ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સારવાર અંતે દર્દીઓ આવી રહ્યા છે ત્યારે ગુજયાત સરકારે દર્દીઓની સારવાર માટે સાથે આવેલા દર્દીઓના સગાને રહેવાની સુવિધા મળી રહે તે માટે જિલ્લા
કલેક્ટરને રેનબસેરા નિર્માણ કરવા જમીન ફાળવવા સૂચના આપતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ માત્ર પંદરથી વીસ દિવસના ટૂંકા સમયગાળામાં જ પરાપીપળીયા રેવન્યુ સર્વે નંબર 197ની 3000 ચોરસ મીટર જમીન સિવિલ સત્તાવાળાઓને સોંપી આપી હોવાનું જાણવા મળે છે. જો કે, જિલ્લા કલેકટર દ્વારા ફાળવવામાં આવેલ જમીન સિવિલ હોસ્પિટલથી દૂર હોય રાજકોટ સિવિલ હોસ્પિટલના પીઆઈયુ યુનિટ દ્વારા આ જમીન ફાળવણી મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.