RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ : બેંકની વેબસાઈટ પર રશિયન ભાષામાં ઈ-મેલ મળ્યો, પોલીસ તપાસ શરૂ
છેલ્લા ઘણા સમયથી દેશમાં અનેક જગ્યાઓને લોકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. આ સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મુંબઈ ઓફિસને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી શુક્રવારે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. એક મહિનાથી ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી રશિયન ભાષામાં આપવામાં આવી છે. મુંબઈ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
પોલીસે તેમના નિવેદનમાં શું કહ્યું ?
આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. માતા રમાબાઈ પોલીસ સ્ટેશનમાં ફરી એક અજાણ્યા વ્યક્તિના નામે FIR દાખલ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના ઝોન-1 ડીસીપીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ રશિયન ભાષામાં હતો. જેમાં બેંકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિના નામે એફઆઈઆર નોંધવામાં આવી છે. “આ મામલાની તપાસ ચાલુ છે.”
એક દિવસ પહેલા જ સંજય મેહરોત્રાએ સેન્ટ્રલ બેંકના ગવર્નરનો ચાર્જ સંભાળ્યો છે. તેમણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે. જેઓ છેલ્લા 6 વર્ષથી આ પદ પર હતા.
અગાઉ પણ RBIને ધમકીભર્યો ફોન આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નવેમ્બરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના કસ્ટમર કેર વિભાગને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ કોલ રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર કરવામાં આવ્યો હતો, ફોન પર તે વ્યક્તિએ કહ્યું હતું કે, ‘હું લશ્કર-એ-તૈયબાનો સીઈઓ છું.’ ધમકી આપનાર વ્યક્તિએ પાછળનો રસ્તો બંધ કરો, ઈલેક્ટ્રીક કાર ખરાબ થઈ ગઈ છે તેમ કહી ફોન કટ કરી દીધો હતો.
દિલ્હીની 44 શાળાઓને બોમ્બની ધમકી મળી હતી
દિલ્હીની છ શાળાઓને ઈમેલ પર બોમ્બની ધમકી પણ મળી છે. જે બાદ તે તમામ શાળાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 9 ડિસેમ્બરે દિલ્હીની 40 શાળાઓને પણ આવો જ ઈમેલ મળ્યો હતો. તેમની તપાસ બાદ પોલીસે તેને નકલી જાહેર કર્યો હતો.