રતન ટાટાના શ્વાન ‘ગોવા’એ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ : જુઓ અંતિમ વિદાયના હૃદયદ્રાવક દ્રશ્ય
ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી ઉદ્યોગ સહિત સમગ્ર દેશમાં શોકની લહેર છે. મુંબઈમાં દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ટાટા ગ્રુપને વૈશ્વિક ઓળખ અપાવનાર રતન ટાટાનું બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. રતન ટાટાના શ્વાન સાથેના પ્રેમથી તો આપણે સૌકોઈ વાકેફ છીએ. ઉદ્યોગપતિ રતન ટાટા પણ શ્વાનને ખૂબ પ્રેમ કરતા હતા.
ટાટાના તમામ પરિસરમાં રખડતા શ્વાનની હિલચાલ પર કોઈ નિયંત્રણો નહોતા – પછી તે તાજમહેલ હોટેલ હોય કે ગ્રુપ હેડક્વાર્ટર અને તેથી જ તેમનો એક પાલતુ કૂતરો પણ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યો હતો. આ પાલતુ કૂતરાનું નામ ‘ગોવા’ છે. તેના માલિકને શ્રદ્ધાંજલિ આપવા આવેલો શ્વાન પણ ઉદાસ દેખાતો હતો.
ટાટાનો પ્રિય શ્વાન ‘ગોવા’
‘ગોવા’ રતન ટાટાનો પ્રિય શ્વાન હતો જે ઘણીવાર તેમની સાથે મીટિંગમાં જતો હતો. રતન ટાટાએ એકવાર શ્વાનના નામ પાછળની રસપ્રદ વાર્તા શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે તે ગોવામાં મારા સાથીદારની કારમાં બેસીને બોમ્બે હાઉસ આવ્યો ત્યારે તે એક બેસહારા ગલૂડિયું હતું. તેથી જ મેં તેનું નામ ગોવા રાખ્યું છે.
રતન ટાટાને શ્વાન ખૂબ જ પસંદ હતા. તાજમહેલ હોટેલ હોય કે ટાટા ગ્રુપનું હેડક્વાર્ટર હોય, દરેક જગ્યાએ કૂતરાઓના પ્રવેશ પર પ્રતિબંધ ન હતો. એક ઘટના એવી પણ છે કે બીમાર કૂતરાનું ધ્યાન રાખવાને કારણે રતન ટાટા બ્રિટનના તત્કાલીન પ્રિન્સ ચાર્લ્સને મળી શક્યા ન હતા. બ્રિટનના બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે જ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રતન ટાટાને તેમનું સન્માન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમના કૂતરા બીમાર પડ્યા અને રતન ટાટાએ તેમના કૂતરાઓની સંભાળ લેવા માટે તેમનો યુકે પ્રવાસ રદ કર્યો.