દિલ્હીમાં રામલીલામાં ‘રામ’ નું મંચ પર હાર્ટ એટેકથી અવસાન
ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ડાયલોગ બોલતી વખતે જ હ્રદયમાં દુઃખાવો ઉપડયો
દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા કલાકારનું રાત્રે સ્ટેજ પર જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. અચાનક બનેલી આ દુ:ખદ ઘટનાથી સ્ટેજ પર અરાજકતા સર્જાઈ હતી. આ સાથે જ રામલીલા જોવા આવેલા કલાકારો અને લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકનું નામ સુનીલ કૌશિક છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો.
સુશીલ કૌશિક ભગવાન રામનો ભક્ત હતો અને છેલ્લા 20-25 વર્ષથી દર વર્ષે ઝિલમિલમાં વિશ્વકર્મા નગરની રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતો હતો. રાત્રે તેમને રામલીલાના મંચ પર અચાનક છાતીમાં તીવ્ર દુ:ખાવો થયો, જેના પછી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ દુખદ સમાચારથી રામલીલા જોવા આવેલા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
રામલીલાના મંચ પર મૃત્યુ પહેલાની આ દુ:ખદ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સુનીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવતા અને તેમના ડાયલોગ્સ બોલતા જોઈ શકાય છે. આ દરમિયાન અચાનક તેની છાતીમાં દુખાવો થાય છે અને તે તેના હૃદય પર હાથ રાખે છે અને પછી અચાનક તે સ્ટેજની પાછળ જાય છે.