રાજકોટનું અડધી સદી જૂનું ફાયર સ્ટેશન તોડી પડાશે : નવા ફાયર સ્ટેશનમાં મળશે આ અત્યાધુનિક સુવિધાઓ
રાજકોટના વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે સાથે આગની ઘટનામાં પણ ચિંતાજનક ઉછાળો આવી ગયો હોય ફાયર બ્રિગેડને વધુ `મજબૂત’ બનાવવાની તાતી જરૂરિયાત જણાઈ રહી હતી. મહાપાલિકા દ્વારા આ દિશામાં એક બાદ એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં અડધી સદી મતલબ કે 50 કરતા પણ વધુ વર્ષોથી કાર્યરત કનક રોડ ફાયર સ્ટેશનને તોડી પાડી તેના સ્થાને નવું ફાયર સ્ટેશન બનાવવાના નિર્ણયને આખરે એક વર્ષ કરતાં વધુ સમય બાદ અમલમાં મુકવામાં આવ્યો છે.
9.01 કરોડ (જીએસટી સિવાય)ના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવાનું મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેની સમયમર્યાદા 30 મે સુધી રહેશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવશે. જો બધું સમુસુતરું પાર પડ્યું તો એક મહિના બાદ કામ શરૂ કરી દઈ દોઢ વર્ષથી અંદર તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સેવાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
નવા ફાયર સ્ટેશનમાં સ્ટાફ ક્વાર્ટર્સ, આધુનિક કંટ્રોલરૂમ સહિતની સુવિધા આપવામાં આવશે. જો કે આટલો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા છતાં ફાયર ફાઈટર સહિતના વાહનો અત્યારે જેટલા પાર્ક કરાય છે એટલા જ નવા ફાયર સ્ટેશનમાં પણ પાર્ક કરવામાં આવશે તેવું ઈજનેરે જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે રાજકોટમાં બે વર્ષથી ધોધમાર વરસાદ પડી રહ્યો હોય અહીંનું ફાયર સ્ટેશન અત્યંત વ્યસ્ત રહેતું હતું. વળી, વરસાદને કારણે અહીં પાણી પડવા તેમજ ભેજ ઉતરવા સહિતની સમસ્યા પણ એટલી હદે સતાવી રહી હોય પાછલા વર્ષે તેની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ કાર્યવાહી થંભી જવા પામી હતી. હવે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે ઝડપભેર કામ શરૂ થાય તે જોવાની જવાબદારી પણ તંત્રવાહકોની રહેશે.