રાજકોટની દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો : મરીન સેક્ટરમાં AIની મદદથી પ્રદૂષિત પાણીને બનાવ્યું શુધ્ધ
આપણે ત્યાં કહેવત છે કે, પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. આ કહેવતને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવની દોહીત્રી અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના ડિરેકટર સમીર વૈષ્ણવની દીકરી આર્ચીએ સાર્થક કરી બતાવી છે. મરીન સેકટરમાં સૌ પ્રથમ વખત AI નો ઉપયોગ કર્યો છે. આ ટેક્નિક-પ્રોજેકટને કતારની રાજધાની દોહામાં આયોજિત CODEAVOUR 6.0 આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધામાં રજૂ કરી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સ્પર્ધામાં 24 દેશની 125 ટીમે ભાગ લીધો હતો. જેમાં આ પ્રોજેકટ 4થા ક્રમે વિજેતા થતા આર્ચીએ ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.
આ પ્રોજેકટ વિશે `વોઈસ ઓફ ડે’ની મુલાકાતમાં આર્ચી વૈષ્ણવ જણાવે છે કે, આ પ્રોજેકટ બે કારણોસર પસંદ કરવામાં આવ્યો છે. પ્રથમ કારણ એ છે કે, આજે દરેક સેગમેન્ટમાં AIનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ મારા ધ્યાનમાં મરીન સેક્ટરમાં હજુ AIનો ઉપયોગ થયો નહિ હોવાનું ધ્યાને આવ્યું હતું. જયારે બીજું કારણ એ છે સૌરાષ્ટ્ર સહિત વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. જો ભવિષ્યનો વિચાર કરીએ તો એક તો પાણીનું સંરક્ષણ પણ કરી શકાય ને પ્રદૂષિત પાણીનો ઉપયોગ પણ કરી શકાય એ મુખ્ય હેતુ હતો.
આ પદ્ધતિ ઓઝોન પ્યુરિફિકેશન આધારિત છે. જેમાં રોબર્ટની મદદ લઈને પ્રદુષિત પાણી પણ ચોખ્ખુ બની શકે ને તેનો વપરાશ કરી શકાય. આ પ્રોજેકટની અમલવારી સૌરાષ્ટ્રની ધરતી પર કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. જ્યારે ભારત દેશની વાત કરીએ તો કાશ્મીરથી લઈ ક્નયા કુમારી સુધી આ પ્રોજકેટ ફાયદાકારક છે. આ પ્રોજેકટને સફળ બનાવવા શેક્ષણિક અભ્યાસ ક્રમ ચાલુ હતો તે દરમ્યાન 3 કલાક અને જ્યારે વેકેશન પડ્યું ત્યારે રોજની 8 કલાક CS STEM LABમાં સમય ફાળવતી હતી.
દોહા ખાતે રજૂ કર્યા પહેલા રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે આ પ્રોજેકટ રજૂ કર્યો ત્યારે તેને બીજો ક્રમ મળ્યો હતો. ત્યારબાદ આ પ્રોજેકટને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવાનો ચાન્સ મળ્યો ત્યારે બસ મનમાં એક જ નિર્ણય કર્યો હતો કે વૈશ્વિક કક્ષાએ ભારત દેશનું ગૌરવ વધારવું, જ્યારે મારો ચોથો ક્રમ જાહેર થયો અને વિદેશની ધરતી પર જ્યારે ભારત દેશનું નામ ગુંજી ઉઠ્યું ત્યારે દેશનું ગૌરવ વધાર્યું હોવાનો મનમાં ઉત્સાહ હતો. અલગ અલગ દેશોના 33 જ્યૂરી મેમ્બરની ટીમેં અલગ અલગ પેરામીટર ચકાસીને આ પ્રોજકેટને પસંદ કર્યો હતો. આ માટે CS STEM LABના મેડમ ઊર્મિલા રાણાવા અને સર પ્રીતેશ રાણાવાનું વિશેષ માર્ગદર્શન પરિવાર તરફથી પ્રોત્સાહન મળ્યુ છે.
આ સ્પર્ધામાં CS STEM LABના વરાન પરસાણા અને જહાન વિરડાએ કાર્બન કેપ્ચર યુનિટ વિષયક પ્રોજેકટ રજૂ કર્યો હતો. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વાયુ મડળમાં રહેલા કાર્બન કેવી રીતે અસરકારક રીતે કેપ્ચર કરી શકાય એ રજૂ કર્યો હતો. જેને APPRECIATION AWARD પ્રાપ્ત થયો છે.