ગુંડાઓના મકાન પર બૂલડોઝરની ધણધણાટી બોલાવતી રાજકોટ પોલીસ…ઓરડી-મકાનનું કરાયું ડિમોલિશન, ગુનેગારોમાં ફફડાટ
સળંગ બીજા દિવસે ગુંડાઓના મકાન પર બૂલડોઝરની ધણધણાટી બોલાવતી પોલીસ
બન્નેએ ગેરકાયદે ઓરડીને ભાડે ચડાવી બેઠી કમાણી' શરૂ કરી'તી
જો આ રીતે તૂટે છે તારું ઘર’: ડિમોલિશન વખતે માજીદ ભાણુને સાથે રખાયો
ગુજરાતમાં ગુંડાઓના ગેરકાયદે મકાન, ઓફિસ, દુકાન, ઓરડીઓ ઉપર પોલીસ બૂલડોઝર ફેરવી રહી છે ત્યારે રાજકોટમાં સળંગ બીજા દિવસે બૂલડોઝરની ધણધણાટી બોલી જતાં ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. થોડા સમય પહેલાં પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફ ઉપર હુમલો કરનારા કુખ્યાત આરોપી માજીદ ભાણુ અને ઈશોભા દલે જામનગર રોડ ઉપર સ્લમ ક્વાર્ટર હુડકોમાં લાખાબાપાની વાડી પાસે વોંકળાના કાંઠે એક ઓરડી અને મકાન ગેરકાયદેસર જગ્યામાં બનાવી નાખ્યું હોય મહાપાલિકાના સ્ટાફને સાથે રાખી તેનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માજીદ સાથે પોલીસ પર હુમલો તેમજ યુનિવર્સિટી રોડ વિસ્તારમાં વેપારીના અપહરણનો ગુનો જેની સામે નોંધાયેલો છે તે ઈશોભા દલે પણ એ જ વિસ્તારમાં છ ઓરડી ગેરકાયદેસર રીતે બનાવી હોવાનું ધ્યાન પર આવતાં તેને પણ તોડી પાડવામાં આવી હતી. આ બન્ને છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઓરડીઓ ભાડે આપીને બેઠી કમાણી કરી રહ્યા હતા જે પોલીસે સદંતર બંધ કરાવી દીધી હતી.
પ્ર.નગર પોલીસ દ્વારા ડિમોલિશન વખતે માજીદને સાથે રાખવામાં આવ્યો હતો. પોતાનું જ ઘર તૂટતું જોઈ માજીદના દુ:ખનો પાર રહ્યો ન્હોતો. આ કાર્યવાહીમાં ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ, પ્ર.નગર પીઆઈ વિક્રમ વસાવા, એસઓજી પીઆઈ એન.વી.હરિયાણી, મહાપાલિકાના સિટી ઈજનેર અતુલ રાવલ સહિત મોટી સંખ્યામાં પોલીસ-મહાપાલિકાનો કાફલો હાજર રહ્યો હતો.