રાજકોટના ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીગ્રામ, પ્ર.નગર, તાલુકા ઉપરાંત પડધરી, પંચમહાલ, કાલાવડ સહિતના પોલીસ મથકમાં જમીન પચાવી પાડવા, મારામારી, દારૂની હેરાફેરી, છેતરપિંડી સહિતના અનેક ગુનામાં સામેલ રિઢા આરોપી સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયા બાદ 22 મહિનાથી પોલીસને ચકમો આપી રહ્યો હોય આખરે ક્રાઈમ બ્રાન્ચે રિક્ષાચાલકનો વેશ ધારણ કરી રાજકોટમાંથી જ તેને દબોચી લીધો હતો.
22 મહિના પહેલાં શહેરના તાલુકા પોલીસ મથકમાં પડધરીના ભરત દાનાભાઈ મુછડિયા વિરુદ્ધ ગુજસીટોકની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. જો કે ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય હાથમાં આવી રહ્યો ન્હોતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ટીમના એએસઆઈ સંજય દાફડા, રણજીતસિંહ પઢારિયા સહિતની ટીમને ભરત કાલાવડ રોડ પર આવ્યો હોવાની બાતમી મળતાં જ તુરંત રિક્ષા મેળવી લઈ તેમાં ચાર લોકોએ બેસીને તેને દબોચી લીધો હતો.
આ પણ વાંચો :રાજકોટમાં શિક્ષકો અનાથ બાળકો સાથે દિવાળી ઉજવશે : સ્વીટ્સ,કપડાં,ફટાકડા આપી ભૂલકાઓના ચહેરા પર સ્મિત પાથરશે
ભરત પોલીસના શૂઝ અને કપડાં જોઈને ઓળખી લેતો હોવાથી જો ક્રાઈમ બ્રાન્ચ ખાનગી વાહનમાં ગઈ હોત તો કદાચ નાસી જાય તેવી આશંકાને ધ્યાનમાં રાખી પોલીસે નવતર કીમિયો અખત્યાર કરીને તેને પકડી તાલુકા પોલીસ મથકને સોંપ્યો હતો.
