રાજકોટના વૃદ્ધે હાઇકોર્ટને કહ્યું, મને અંગ્રેજી નથી આવડતું: કોર્ટે કહ્યું,-અમને ગુજરાતી નથી આવડતું! પોતે જ કેસ લડવા કરેલી માગ ફગાવાઈ
ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટના એક વૃદ્ધે પોતે પોતાનો કેસ લડવા માંગે છે પરંતુ તેને અંગ્રેજી આવડતું ન હોવા અંગેની અરજી હાઈકોર્ટ સમક્ષ કરતાં કોર્ટ દ્વારા આ અરજી ફગાવીને એવું જણાવાયું હતું કે કોર્ટને ગુજરાતી આવડતું નથી! વૃદ્ધને પોતાનો કેસ જાતે લડવા માટે કોમ્પિટન્સ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તેમણે પહેલાં સિંગલ જજ અને ત્યારપછી ચીફ જસ્ટિસની કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ અરજી મોડેથી ફાઈલ થઈ હતી. અરજદાર વૃદ્ધે જણાવ્યું હતું કે તેને અંગ્રેજી આવડતું ન હોવાથી કોર્ટ ઓથોરિટી દ્વારા તેને પોતાનો કેસ લડવા માટે પરવાનગી આપવામાં આવી નથી.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા અરજદારને એવું પણ જણાવાયું હતું કે તેમના હિતમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે કોર્ટમાં કાયદાકીય ભાષા ચાલે છે, ભાષણબાજી નથી ચાલતી. હાઈકોર્ટ દ્વારા અરજદાર કે જેઓ પોતાનો કેસ જાતે લડી રહ્યા હોય તો તેમને અંગ્રેજી માં પ્રશ્ન પૂછશે જે ભાષા અરજદારને નથી આવડતી અને હાઈકોર્ટને ગુજરાતી નથી આવડતું. વળી, હાઈકોર્ટ અંગ્રેજી માં હુકમ કરશે તેનો ખ્યાલ પણ અરજદારને આવશે નહીં.
આ પણ વાંચો :રાજકોટ ઇન્કમટેક્સની ડિફોલ્ટર સામે લાલ આંખ: 17 કરોડનો ટેક્સ ન ચૂકવતા ફ્લેટ ટાંચમાં,કરોડોનો ટેક્સ વસૂલવા રિકવરી વિભાગનું એક્શન
આ ઉપરાંત અરજદારની સામેના વકીલ પણ અંગ્રેજી માં વાતચીત કરતા હોવાથી પ્રક્રિયા અરજદારને સમજાશે જ નહીં. કોર્ટરૂમમાં સામાન્ય ભાષામાં નહીં પરંતુ કાયદાની ભાષામાં જ વાતચીત થતી હોય છે. અરજદાર માત્ર ધો.10 સુધી ભણેલા હોવાથી તેઓ પોતાનો કેસ રજૂ કરી શકે નહીં કેમ કે કોર્ટમાં કાયદાકીય સમજ હોવી જોઈએ જે અરજદાર ભણ્યા નથી. એકંદરે આ કેસની સુનાવણીમાં કોર્ટનો સમય બગડે તેમ છે એટલા માટે અરજદાર હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટીમાં પોતાની પાસે પૈસા ન હોવાથી વકીલ આપવાની અરજી કરે તે હિતાવહ છે.
