રાજકોટ : વાવડીમાં દોઢ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ,રહેણાંક અને કોમર્શિયલ દબાણો હટાવાયા
- રૈયા 156માં યુએલસી ફાજલ જમીન ઉપરથી દબાણ હટાવવા આવતા અઠવાડિયે ડીમોલિશન
રાજકોટ : રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા શહેરના વાવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા રહેણાંક અને કોમર્શિયલ દબાણો હટાવી અંદાજે દોઢ કરોડની કિંમતની 900 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી હતી, બીજી તરફ પશ્ચિમ મામલતદાર હેઠળ આવતા રૈયા સર્વે નંબર 156ની યુએલસી ફાજલ જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવા આખરી નોટિસ ફટકારી દેવામાં આવી છે અને આગામી અઠવાડીએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા શહેરના વાવડી વિસ્તારમાં સર્વે નંબર 149ની સરકારી જમીન ઉપર ગોડાઉન, શેડ અને રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવતા 900 ચોરસમીટર જમીન ઉપરથી ગેરકાયદેસર બાંધકામ હટાવી અંદાજે રૂપિયા દોઢેક કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
બીજી તરફ રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરી હેઠળ આવતા રૈયા સર્વે નંબર 156ની યુએલસી ફાજલ સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો ખડકાઈ જતા પ્રથમ તબક્કે 14 કોમર્શિયલ દબાણકર્તાઓને આખરી નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી અઠવાડીએ તમામ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.