રંગ લાગ્યો રાજકોટને ગેરું અને કેસૂડાનો : રાજમાર્ગો પર ખીલી રંગોત્સવની રોનક, જુઓ તસવીરો
ભીંજાયા વસ્ર કેસૂડા જળથી…. રંગ લાગ્યો રાજકોટને ધુળેટીનો……પરિવાર અને મિત્રો સાથે રંગોત્સવની રોનક ખીલી હતી.વહેલી સવારથી રંગરસિયાઓ અબીલ-ગુલાલની છોળો સાથે ધુળેટી રમવા નીકળી પડ્યાં હતાં. રેસકોર્સમાં રાજકોટવાસીઓ પડાવ નાંખી રંગે રમ્યા હતા.

રેસકોર્સ તેમજ શહેરમાં આવેલી અનેક સોસાયટીઓ,કલબ હાઉસ,પાર્ટી પ્લોટ તેમજ અનેક જગ્યાએ ધુળેટી કાર્નિવલનાં આયોજનો કરાયાં હતા.તહેવાર હતો રંગનો તો ય રાજકોટવાસીઓ ગરબે રમી તહેવારની ઉજવણીમાં ઉત્સાહનો રંગ ઘૂંટયો હતો.ડી.જે.ડાન્સ સાથે તો ક્યાંક રેઇન ડાન્સ સાથે યુવાધન હિલોળે ચડ્યું હતું.જાહેર સ્થળો પર રોમિયોગીરી કે આછેકલાઈ ના બનાવો ન બને એ માટે પોલીસએ ચાંપતી નજર રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ વર્ષે આ પર્વની વિશેષતા એટલા માટે રહી હતી કે બોર્ડની પરીક્ષા પણ પૂરી થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓએ પણ આનંદભેર ધુળેટીનું પર્વ ઉજવ્યું હતું. અનેક જગ્યાએ રંગ ઉત્સવના આયોજનો સાથે હવેલી અને મંદિરમાં ફુલડોલ ઉત્સવના આયોજનો થયા હતા. જ્યાં ભાવિકોએ ધુળેટીને ધર્મ ઉલ્લાસ સાથે મનાવ્યું હતું.સવારથી બપોર સુધી ધુળેટીની ઉજવણી બાદ સાંજે ઉત્સવપ્રેમીઓ ફરવા નીકળી પડ્યા હતા અને ખાણી-પીણીની જ્યાફ્ત માણી હતી.





