રાજકોટ : 20 ગામોમાં ટેન્કર દોડાવવા પડે તેવા એંધાણ, જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીઓને પાવર ડેલિગેટ કર્યા
ગત ચોમાસામાં રાજકોટ જિલ્લામાં વિછિયા તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓમાં શ્રીકાર વરસાદ વરસ્યો હોવાથી આ વર્ષે તમામ ગામોમાં માર્ચ મહિનો વીતવા છતાં પણ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ નથી. જો કે, એપ્રિલ માસના અંતમાં જિલ્લાના વીસેક ગામોમાં પાણીની તંગી સર્જાઈ તેવા સંકેતો જોતા જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીઓને પાવર ડેલિગેટ કરી જરૂર હોય તેવા ગામોમાં પાણીના ટેન્કર શરૂ કરાવવા સૂચના આપી છે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, જિલ્લાની પાણીની સ્થિતિ અંગે પાણી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હાલના સંજોગોમાં એક પણ ગામમાં પીવાના પાણીની સમસ્યા નથી. જો કે, જિલ્લા કલેકટર જોશીએ ઉમેર્યું હતું કે, સંભવતઃ આગામી દિવસોમાં જિલ્લાના 20 જેટલા ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ તેવી સ્થિતિ હોય સંબંધિત પ્રાંત અધિકારીઓને આવા ગામોમાં પાણીના ટેન્કર શરૂ કરવા પાવર ડેલિગેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત ચોમાસામાં રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો એ જ રીતે લોધીકામાં પણ સારો વરસાદ થયો હતો. જો કે, એક માત્ર વિછિયા તાલુકામાં જ ઓછો વરસાદ હોય સંભવતઃ વિછિયા તાલુકામાં ઉનાળાના અંતભાગમાં પાણીની સ્થિતિ વિકટ બને તેમ હોવાનું મનાઈ રહ્યું છે.