રાજકોટ : પ્રથમ લગ્ન તૂટ્યા, યુવતી સાથે ફ્રેન્ડશીપ કરી દુષ્કર્મ ગુજાયું, બીજા લગ્ન પૂર્ણ કર્યા’ને પોલીસે ‘પોખ્યો’
- મેટોડામાં નોકરી કરતા શખ્સ સામે દુષ્કર્મનો ગુનો નોંધાતાં જ પોલીસે પાર્ટીપ્લોટમાંથી ઉઠાવ્યો
- દોઢ વર્ષથી પ્રેમસંબંધમાં હોવાને કારણે યુવતીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યા બાદ લગ્નનું પ્રોમીસ તોડી નાખતાં નોંધાઈ ફરિયાદ
રાજકોટમાં પાછલા એક સપ્તાહથી દુષ્કર્મની ઘટનામાં ચિંતાજનક ઉછાળો નોંધાઈ રહ્યો હોય પોલીસમાં સતત દોડધામ જોવા મળી રહી છે. આવો જ એક બનાવ મવડી પાળ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં યુવકે એ જ એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ યુવક તો લગ્નના તાંતણે બંધાઈ રહ્યો છે ! ત્યારબાદ જ્યાં આ યુવકના લગ્ન થઈ રહ્યા હતા તે પાર્ટીપ્લોટમાં જઈને પોલીસે તેને બરાબરનો પોંખતાં હાજર મહેમાનો પણ સ્તબ્ધ થઈ જવા પામ્યા હતા.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મેટોડામાં નોકરી કરતો દિલીપ ચાવડાના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. જો કે તેનો સંસાર બરાબર ન ચાલતાં લગ્ન પડી ભાંગ્યા હતા. આ પછી યુવક તેની માતા સાથે મવડી પાળ રોડ પરના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ દરમિયાન તેની આંખ એપાર્ટમેન્ટમાં જ રહેતી યુવતી સાથે મળી જતાં તેણે તેની સાથે ફ્રેન્ડશિપ કરી હતી. બન્નેએ વાતચીત કરવાનું શરૂ કર્યા બાદ વાત લગ્ન સુધી પહોંચી હતી. આ પછી એક દિવસ યુવતીના પરિવારજનો બહારગામ ગયા હોવાનું ધ્યાન પર આવતાં દિલીપ તેના ઘેર પહોંચ્યો હતો અને યુવતી સાથે લગ્ન કરશે તેવું વચન આપી શરીરસંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ દિલીપે યુવતી સાથે વાતચીત કરવાનું ઓછું કરી નાખ્યું હતું જેના કારણે યુવતીને શંકા ગઈ હતી. તેની શંકા સાચી ઠરી હતી કેમ કે દિલીપના બીજી જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હતા. આ વાતની જાણ યુવતીને જ્યારે તેના પ્રેમી દિલીપના લગ્નની કંકોત્રી મળી ત્યારે થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દગો મળ્યાની જાણ થતાં જ યુવતીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક યુવકની શોધખોળ શરૂ કરતાં ધ્યાન પર આવ્યું હતું કે જેને તે શોધી રહી છે તે દિલીપ એક પાર્ટી પ્લોટમાં લગ્ન કરી રહ્યો છે. પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને જેવા તેના બીજા લગ્નની વિધિ પૂરી થઈ કે તેની અટકાયત કરી લીધી હતી.
યુવતીના ભાઈને યુવકે જ પોતે જ્યાં નોકરી કરતો હતો ત્યાં અપાવ્યું’તું કામ
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીના ભાઈને દિલીપ ચાવડાએ પોતે જ્યાં નોકરી કરતો હતો ત્યાં નોકરી પણ અપાવી હતી. આમ કરીને તેણે યુવતીનો વિશ્વાસ પણ જીતી લીધો હતો. એકંદરે દિલીપ અને યુવતી વચ્ચે દોઢ વર્ષથી પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું અને દિલીપ લગ્ન કરશે તેવા વિશ્વાસને પગલે યુવતીએ તેને પોતાનું સર્વસ્વ સોંપી પણ દીધું પરંતુ તેને દગો મળ્યો હતો.