- ઢેબર કોલોનીમાં બુટલેગર ટોળકીએ છરીના ઘા ઝીંકી યુવકની કરી કરપીણ હત્યા
- સામું જોવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી 9 શખસો તલવાર-છરી-ધોકા સાથે ઘસી આવી પિતા-પુત્ર સહિત ચાર પર હુમલો કર્યો : એકનું સારવારમાં મોત થયું
- વાહન અને રિક્ષામાં તોડફોડ કરી ધમાલ કરતાં પોલીસના મોડી રાત્રિના ધાડેધાડા ઉતાર્યા : ભક્તિનગર પોલીસે હત્યારાઓની કરી અટકાયત
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ હત્યાના બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે. ઢેબર કોલોનીમાં બુટલેગર ટોળકીએ સામું જોવા બાબતે થયેલા ઝગડાનો ખાર રાખી પિતા-પુત્ર સહિત ચાર પર મોડી રાત્રિના તલવાર-છરી અને ધોકા વડે હુમલો કરી બાઇક અને રિક્ષામાં તોડફોડ કરી હતી. આ હુમલામાં ચારેયને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. અને અહી એક યુવકનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. અને આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા 9 શખસો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.
બનાવની વિગત મુજબ, રાજકોટમાં ઢેબર કોલોનીમાં જોગણીમાં અને રખાબાપાના મંદિર પાસે રહેતાં વિક્કી સુરેશભાઈ સોલંકી (ઉ.વ.25) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભીમા બાબુ સોલંકી, પ્રકાશ બાબુ સોલંકી, રાજુ બાબુ સોલંકી, ભીમાનો છોકરો શૈલેષ, ભીમાનો છોકરો નિલેશ, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજી અને યોગેશ ભગવાનજીનું નામ આપતાં જણાવ્યું હતું કે, તે ઢેબર મેઈન રોડ પાનની કેબિન ધરાવી વેપાર કરે છે. અને તેઓ તેમના પિતા સુરેશભાઈ દુલાભાઈ સોલંકી (ઉ.વ.45) અને તેમની માતા તેમજ દાદા દુલાભાઈ સોલંકી અને દાદી મધીબેન સાથે રહેતો હતો. રવિવાર રાત્રિના આસપાસ તે અન્ય લોકો સાથે પોતાની દુકાને વાતચીત કરતો હતો.
ત્યારે આરોપી રાજુ બાબુ અને લોહાનગરમાં રહેતાં વિજય રામદાસ બંને સામું જોવા બાબતે ઝઘડો કરતાં હોય જેથી ફરીયાદી અને તેમના ભાઈ, પિતાએ તેમને ઝઘડો નહીં કરવાં સમજાવેલ અને છુટા પાડયા હતાં. જે બાબતનો ખાર રાખી રાજુ બાબુ અન્ય આરોપીઓઓને બોલાવી લોખંડના પાઈપ, લાકડાના ધોકા, છરી જેવાં હથિયારો સાથે ઘસી આવી અને જીવલેણ હુમલો કરી દિધો હતો. આ હુમલામાં સુરેશ સોલંકી,પ્રકાશ,અર્જુન અને વિક્કીને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આરોપીઓ બાઇક અને રિક્ષામાં પણ તોડફોડ કરી ભાગી ગયા હતા.બનાવ અંગે જાણ થતાં પોલીસના ધાડેધાડા ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા. અને આ મામલે ભક્તિનગર પોલીસે નવ શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ સોલંકીનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.અને ભક્તિનગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે ગણતરીની કલાકોમાં તમામ આરોપીને અટકાયત કરી છે.