રાજકોટ : વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા પાસેથી પસાર થતાં માતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા
શાપર વેરાવળમાં પારડી ગામનો બનાવ : રીબડામાં રહેતા માતા-પુત્ર મામાજીના ઘરે જતા હતા ત્યારે દુર્ઘટના ઘટી : બંને સારવાર હેઠળ
રાજકોટના શાપર વેરાવળના પારડી ગામે જીઇબીના વિજ ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણોસર ધડાકા સાથે આગ ભભૂકતાં ટ્રાન્સફોર્મર ફાટ્યું હતું.તે મસીએ બાજુમાંથી પસાર થઇ રહેલા માતા-પુત્ર આગની ચપેટમાં આવી જતાં તેઓ ગભીર રીતે દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
વિગત મુજબ શાપરના પારડી ગામે શિતળા માતાજીના મંદિર નજીક બપોરે વિજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભૂકતાં ત્યાંથી પગપાળા જઈ રહેલા રીબડા રહેતાં મુળ બિહારના વતની બેબીબેન સરમણભાઈ ગીરી (ઉ.વ.૩૦) તથા તેનો પુત્ર અયાશ સરવન ગીરી (ઉ.વ.૩) ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બેબીબેન મુળ બિહારના વતની છે તેના પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેણી પારડી ખાતે રહેતાં મામાજી સસરાને ઘરે આટો દેવા પુત્રને લઇને આવી હતી. ત્યારે પગપાળા જતી વખતે આ બનાવ બન્યો હતો.આઠે માસ પહેલા પણ આ સ્થળે આવો જ બનાવ બન્યો હતો. જેમાં પિતા-પુત્ર દાઝી ગયા હતાં. ફરી એ જ સ્થળે આ બનાવમાં માતા-પુત્ર દાઝી ગયાનું જાણવા મળ્યું છે.