રાજસ્થાન :બિકાનેરની મહાજન ફાયરિંગ રેન્જમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં વિસ્ફોટ થતાં 2 જવાનોના મોત, એક ઘાયલ
રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપ પ્રેક્ટિસ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયા ની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક જવાન ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં આવેલા ચાર્લી સેન્ટરમાં થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સૈનિકને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ દુર્ઘટના ચાર્લી સેન્ટરમાં થઈ હતી, જ્યાં લશ્કરી કવાયત ચાલી રહી હતી. ઘટનાની માહિતી મળતા જ સૈન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મહાજન પોલીસ સ્ટેશનના પ્રભારી કશ્યપ સિંહે અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ફાયરિંગ રેન્જમાં થયેલી આ દુર્ઘટનાથી સેનામાં શોકનું મોજુ છે.