હાથરસકાંડના પીડિતોને યોગ્ય આર્થિક સહાય આપવા રાહુલ ગાંધીની માંગણી
મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી
ઉત્તર પ્રદેશના હાથરસમાં સ્વ ઘોષિત ગોડમેન ‘ ભોલે બાબા ‘ ના સત્સંગના કાર્યક્રમમાં 123 લોકોના મૃત્યુ થયા બાદ શુક્રવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હાથરસ જઈ અને મૃતકોના કેટલાક પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસ પક્ષ તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી.
મૃતકોના પરિવારજનો સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક અત્યંત દુઃખદ ઘટના છે. આ રાજનીતિનો વિષય નથી પણ સત્સંગના સ્થળે યોગ્ય પ્રશાસકીય વ્યવસ્થા નહોતી અને પોલીસ બંદોબસ્તનો અભાવ હતો તેવી ફરિયાદ મૃતકોના પરિવારજનોએ કરી છે. તેમણે કહ્યું કે મોટાભાગના મૃતકો ગરીબ પરિવારના છે. તેમને ઉદાર હૃદયે યોગ્ય વળતર આપવા માટે હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરું છું. તેમણે ઉમેર્યું કે હું પીડિતોના દુઃખમાં સહભાગી બનવા અને વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આવ્યો છું.
રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન મૃતકોના પરિવારના સભ્યોએ સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કર્યું હતું. ઘટના બન્યા બાદ હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાની પણ લોકોએ ફરિયાદ કરી હતી. એ મુલાકાત દરમિયાન કેટલાક મૃતકોના પરિવારજનો ચોધાર સુએ રડી પડ્યા હતા. તેમણે આ મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે રાહુલ ગાંધીને વિનંતી કરી હતી અને ઢોંગી બાબા ની ધરપકડ કરવાની માગણી કરી હતી.
રાહુલ ગાંધીએ અલીગઢના બે ગામડાઓની પણ મુલાકાત લઇ મૃતકોના પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું હતું. તેમની સાથે રહેલા કોંગ્રેસના નેતા દાનિશ અલીએ યુપી સરકાર આ બનાવને ગંભીરતાથી ન લેતી આવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં લોકો મારી આ ગયા એ ઘટનાની જવાબદારી પણ હજુ સુધી કોઈએ સ્વીકારી નથી. નોંધનીય છે કે આ બનાવની એફઆઇઆર માં ભોલે બાબાનું નામ પણ નથી અને હજુ સુધી તેમનો અતો પતો પણ નથી લાગ્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ આ બનાવ પાછળ અસામાજિક તત્વો નો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. બનાવવા અંગે ભોલે બાબાના સેવાદારો સામે ફરિયાદ નોંધાઇ છે. યુપી સરકારે મૃતકો માટે માત્ર બે લાખ રૂપિયાની સહાય જાહેર કરતા ભારે કચવાટ ફેલાયો છે.
