રાહુલના મુખ્ય સલાહકાર મહાજને અયોધ્યામાં સંતો સાથે ચર્ચા કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ નજીકના સમયમાં રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા જઈ શકે છે. ગઈકાલે રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનના CEO વિજય મહાજનની અયોધ્યાની ગુપ્ત મુલાકાતથી આ શક્યતા ચર્ચામાં આવી છે.
આ યાત્રા દરમિયાન તેઓ કેટલાક સંતો અને રામજન્મભૂમિના મુખ્ય આચાર્ય સત્યેન્દ્રદાસને મળવા માટે રામઘાટ સ્થિત તેમના આશ્રમ પહોંચ્યા હતા.
જો રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની ચર્ચા કરવામાં આવે તો ટ્રસ્ટના મહાસચિવ સંપત રાયે જણાવ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાધુ સંતો અને મહાનુભાવોને આમંત્રણ આપવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 21થી 23 દરમિયાન યોજાશે.
તેમણે કહ્યું હતું કે, કાર્યક્રમ રાજકારણથી પર રહેશે. તમામ પક્ષોના નેતાઓને પણ યોગ્ય સન્માન સાથે આમંત્રણ અપાશે. કાર્યક્રમમાં કોઈ મંચ નહીં હોય. કોઈ સાર્વજનિક બેઠકનું આયોજન થશે નહીં. માત્ર ધાર્મિક વિધિવિધાનથી ભગવાન શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.