રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ટૂંકાવી સુરતથી દિલ્હી ગયા : આજે CECની બેઠકમાં હાજરી
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ટૂંકાવી સુરતથી દિલ્હી પહોચી ગયા છે. દિલ્હીમાં સોમવારે ચૂંટણી સમિતિની બેઠકમાં તેઓ હાજરી આપશે અને ત્યાર બાદ ફરીથી મહારાષ્ટ્ર પહોંચીને યાત્રાને આગળ વધારશે. ગુજરાતમાં આજે ચોથા દિવસે આ ભારત જોડો યાત્રા સંપન્ન થઇ ગઈ છે.
ભારત જોડો ન્યાય યાત્રાએ સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. રાહુલ ગાંધીની યાત્રાને આવકારવા હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા. આજે ચોથા દિવસે યાત્રા બારડોલી પહોંચી હતી જ્યાં કોંગ્રેસના નેતા અને બોલિવૂડ અભિનેતા રાજ બબ્બર પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વરાજ આશ્રમ ખાતે રાજ બબ્બરને જોવા માટે કોંગી કાર્યકરો ઉપરાંત લોકોની ભીડ ઉમટી પડી હતી.
રાજ બબ્બરે કહ્યું હતું કે, સરદાર પટેલના આશીર્વાદ સાથે રાહુલ દેશના ન્યાયનું આંદોલન, મહોબતનું આંદોલન લઈને નીકળ્યા છે તેમા સામેલ થવા આવ્યો છું.
રાહુલ ગાંધીની આ યાત્રા આજે મહારાષ્ટ્ર પહોંચવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ શિડ્યુલમાં ફેરફાર થતાં હવે તેઓ દિલ્હી ગયા છે.
