બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ : ક્રિસમસની રાત્રે જ 19 ખ્રિસ્તીઓના મકાનને આગ ચાંપી દીધી, 17 બળીને ખાક
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ હિંદુઓ સહિતની લઘુમતી પર અત્યાચારના બનાવો વધ્યા છે. લઘુમતીઓની માલ મિલકતોને નિશાન બનાવવામાં આવે છે. એવી જ એક વધુ ઘટનામાં ક્રિસમસ ની રાત્રે જ કટરવાદી તત્વો દ્વારા ખ્રિસ્તી સમુદાયના 19 મકાનને આગચાપી દેવામાં આવી હતી જેમાં 17 મકાનો ઘરવખરી સાથે સંપૂર્ણપણે ખાક થઈ ગયા હતા.
બાંગ્લાદેશના બંદરવન ચટગાવના પર્વતીય વિસ્તારમાં આવેલ સારાઈ ગામમાં આ ઘટના બની હતી. એ ગામના એસપી ગાર્ડન નામના પરિસરમાં રહેતા ખ્રિસ્તી પરિવારો ક્રિસમસ ની રાત્રે ચર્ચમાં પ્રાર્થના માટે ગયા હતા ત્યારે પાછળથી તેમના મકાનો સળગાવી દેવાયા હતા.

એ પરિવારોના જણાવ્યા અનુસાર એસપી ગાર્ડનની આ બધી જમીનો તેમની માલિકીની હતી પણ શેખ હસીનાના શાસનમાં બેનઝીર અહેમદ નામના એક ઉચ્ચ અધિકારીએ એ જમીનોનો ગેરકાયદે કબજો લઈ લીધો હતો અને એ પરિસરને એસ.પી. ગાર્ડન નામ આપી દીધું હતું. પાંચમી ઓક્ટોબરે શેખ હસીના દેશ છોડીને ભાગ્યા ત્યારે બેનઝીર અહેમદ પણ ભાગી ગયો હતો.એ દરમિયાન ખ્રિસ્તી સમુદાયને તેમના મકાનો છોડી અન્યત્ર ચાલ્યા જવાની ધમકીઓ મળતી હતી.
ગંગા મણી ત્રિપુરા નામના રહીશે એ અંગે 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ પોલીસે કોઈ પગલાં નહોતા લીધા. બાદમાં કટ્ટરવાદીઓએ મકાનો સળગાવી દેતા આ ખ્રિસ્તી પરિવારો ખુલા આકાશ નીચે રહેવા માટે મજબૂર બની ગયા છે.
