પુણે એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું. આ નિર્ણય આજે મળેલી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. પુણેના લોહેગાંવ એરપોર્ટનું નામ બદલીને જગદગુરુ સંત તુકારામ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, પુણે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવેથી પૂણે એરપોર્ટ આ નામથી ઓળખાશે.
નિર્ણયની જાહેરાત કરતા, નાગરિક ઉડ્ડયન અને સહકાર રાજ્ય મંત્રી, મુરલીધર મોહોલેએ કહ્યું કે જગદગુરુ સંત તુકારામ મહારાજનો જન્મ લોહેગાંવમાં થયો હતો, જ્યાં પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. તુકારામ મહારાજે પણ તેમનું બાળપણ લોહેગાંવમાં વિતાવ્યું હતું. તેથી, લોહેગાંવ અને તુકારામ મહારાજનું ગાઢ જોડાણ છે.
“તેથી, અમે ગ્રામવાસીઓ અને મહારાષ્ટ્રના સમગ્ર વારકરી સમુદાયની ઇચ્છાઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારને આ પ્રસ્તાવ રજૂ કર્યો,” મુરલીધર મોહોલેએ એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે “આ ઉપરાંત, તુકારામ મહારાજે વારકારી સંપ્રદાય દ્વારા ભગવદ ધર્મના પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને સમાજને એક નવી વિચારસરણી આપી હતી, જે આજે પણ પ્રાસંગિક છે. તેથી, પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ તુકારામ મહારાજના નામ પર રાખવામાં આવ્યું છે.”
હવે આ દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયા બાદ તેને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને કેન્દ્રીય કેબિનેટ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેશે. મંત્રીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે આ પ્રક્રિયા જલ્દી પૂર્ણ થશે. નામમાં ફેરફાર સાથે જોડાયેલી ટેકનિકલ પ્રક્રિયાઓ અને ઔપચારિકતાઓને કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર પણ આ પ્રસ્તાવને ગંભીરતાથી લેશે અને ટૂંક સમયમાં આ નિર્ણયને અંતિમ મંજૂરી આપશે.