યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ બસ-ગેસ્ટ હાઉસ અને ઘરમાં ગુજાર્યું દુષ્કર્મ
કાલાવડ રોડ પર 25 વારીયામાં રહેતા રિઝવાનએ રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવી અજમેર લઇ જઈ ચાલુ બસે દેહ પીંખ્યો : સબંધ તોડી નાંખતા યુવતીએ પરિવારને આપવીતી જણાવતા ગુનો નોંધાવ્યો
શહેરમાં વધુ એક દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં રેલનગર વિસ્તારમાં રહેતી યુવતીને વિધર્મી શખસે પ્રેમ જાળમાં ફસાવી તેણીને અજમેર લઇ જઈ ચાલુ બસે અને રાજકોટમાં અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપીએ સબંધ તોડી નાખતા યુવતીએ પોતાની આપવીતી પરીવારને જણાવતા પરીવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.
બનાવની મળતી માહિતી મુજબ રેલનગર વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિદ્યાર્થીનીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપીમાં કાલાવડ રોડ પર 25 વારિયા ક્વાટરમાં રહેતા રિઝવાન ઈસ્માઈલ માંડરિયાનું નામ આપતા જણાવ્યું હતું કે, તેણીએ ધો.12ની પરીક્ષા આપી હતી.અને હાલ અન્ય પરીક્ષાઓની તૈયારીઓ કરે છે.થોડા સમય પૂર્વે તે તેના પિતરાઇ ભાઈ સાથે એક બગીચામાં ગઈ હતી.ત્યારે તેના ભાઈના મિત્ર એવા રિઝવાન માંડરિયા સાથે પરિચય થયો હતો.અને બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.બાદમાં આરોપી રિઝવાન તેણીને રાજકોટથી અજમેર ફરવા માટે લઇ ગયો હતો.અને બંને ત્યાં એક ગેસ્ટ હાઉસમાં રોકાણ કર્યું હતું.જ્યાં રિઝવાને યુવતી પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.અને ત્યાંથી બસમાં પરત આવતી વેળાએ ચાલુ બસે પણ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
રાજકોટમાં તે તેના ઘરે પણ એકવાર મળવા માટે ગયો હતો.અને ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રિઝવાનને પોતાનો સ્વાર્થ પૂરો થતાં યુવતી સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. જે બાદ તેણીએ તેની આપવીતી પરિવારને જણાવતાં પરિવારની નીચેથી જમીન શરકી ગઈ હતી. બાદમાં પરિવારજનો પ્ર. નગર પોલીસ મથકે દોડી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.અને હાલ આગળની તપાસ એસીપી રાધિકા ભરાઈ કરી રહ્યા છે.