પ્રપોઝ કર્યું, પ્રેમ પાંગર્યો અને લગ્નની લાલચ આપી.. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે યુવતી ઉપર 6 મહિનામાં 7 વખત ગુજાર્યું દુષ્કર્મ
રાજકોટના કાલાવડ રોડ પર રહેતી અને ઘરબેઠા ઓનલાઈન ફ્રિ-લાન્સીંગનું કામ કરતી યુવતી ઉપર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દ્વારા લગ્નની લાલચ આપી છ મહિનામાં સાત વખત દુષ્કર્મ ગુજારી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતાં સીએ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ઑક્ટોબર-2024માં તે એપ્લીકેશન મારફતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અટિકા ફાટક પાસે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં અર્જુન પાર્કમાં રહેતાં દર્શન ભૂપેન્દ્રભાઈ પીઠડિયા (ઉ.વ.28 ) સાથે સંપર્કમાં આવી હતી. આ પછી બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થયા બાદ એક વખત રૂબરૂ મળ્યા હતા અને ત્યારપછી દર્શને યુવતીને પ્રપોઝ કરતા બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
આ પછી યુવતીની બહેનપણીનો જન્મદિવસ હોય દર્શન સહિતના અમરેલી જિલ્લાના ધારી (ગીર)માં આવેલા એક રિસોર્ટમાં ગયા હતા જ્યાં દર્શને યુવતીને લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ દર્શન અને યુવતી કાર મારફતે ઉજ્જૈન ગયા બાદ ત્યાંની હોટેલ, ત્યાંથી ઉદયપુરની હોટેલમાં સંબંધ બાંધ્યો હતો. બન્ને રાજકોટ પરત આવ્યા બાદ એક દિવસ યુવતીના ઘેર કોઈ ન હોય ત્યારે દર્શને યુવતીના ઘરમાં જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ વેળાએ દર્શને યુવતીને કહ્યું હતું કે તેના લગ્ન માટે એક યુવતી સાથે વાતચીત ચાલી રહી હતી પરંતુ દર્શને તે યુવતીને ઈનકાર કર્યો હતો.
આ પછી બન્ને ગોવા ફરવા માટે ગયા બાદ ત્યાં અને જાન્યુઆરી-2025માં ધારી (ગીર)ના રિસોર્ટમાં પણ દર્શને યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. દરમિયાન 9-4-૨૦૨૫ના દર્શન મુંબઈના ભીવંડીમાં છોકરી જોવા ગયો હતો અને ભવંડીથી રાજકોટ પરત ફર્યા બાદ યુવતી તેને મળવા માટે રેલવે સ્ટેશન ગઈ હતી. અહીંથી બન્ને રાજકોટની એક હોટેલમાં પહોંચ્યા હતા જ્યાં પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીએ દર્શનને લગ્ન અંગે કહેતાં દર્શને યુવતીની મુલાકાત તેના પિતા સાથે કરાવી હતી પરંતુ દર્શનના પિતાએ લગ્નનો ઈનકાર કર્યો હતો. આટલું થયા બાદ દર્શને એક ડૉક્ટર યુવતી સાથે લગ્નની વાત ફાઈનલ થઈ ગઈ હોવાની જાણ થતા ભોગ બનનાર યુવતીએ આરોપીની સાળીનો સંપર્ક સાધી પોતાના ઉપર વીતેલી સમગ્ર હકીકત અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યાની વાતથી વાકેફ કરી હતી જેથી દર્શને ફરિયાદી યુવતીને બ્લોક કરી દીધી હતી.
