અમૂલે આગ લગાવી : ખાનગી ડેરીઓ પણ રૂ.2નો વધારો ઝીકશે, ચાની ચુસ્કીના રૂ.15 થશે
દૂધ બાદ શ્રીખંડ, મીઠાઈ, દહીં, પનીર, બટર સહિતની મિલ્ક પ્રોડક્ટમાં થશે વધારો
અમૂલે આજથી દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયા 2નો વધારો અમલી બનાવતા જ રાજકોટ શહેરમાં ખાનગી ડેરી સંચાલકોએ પણ પ્રતિ લીટર દૂધના ભાવમાં 2 રૂપિયા વધારો કરવા નક્કી કર્યું છે. રાજકોટ ચેમ્બર ઓફ ઓફ કોમર્સ પ્રમુખ અને અગ્રણી ડેરી વ્યવસાયિક વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે ડેરી સંચાલકોની બેઠક મળી રહી છે જેમાં ભાવ વધારા અંગે ફાઇનલ નિર્ણય કરી મીઠાઈ, શ્રીખંડ સહિતની દૂધની પ્રોડક્ટમાં ભાવવધારા અંગે નિર્ણય લેવાશે. બીજી તરફ રાજકોટના પનીર ઉત્પાદકો અને ચાની હોટલ ધરાવતા ધંધાર્થીઓએ પણ દૂધના ભાવ વધતા ભાવ વધારો કરવા નિર્ણય કર્યો હોવાનું જણાવી અડધી ચા ના ભાવ રૂપિયા 12થી 15 સુધી કરવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા.
અમૂલ દ્વારા તાજા, શક્તિ, ગોલ્ડ, ટી-સ્પેશિયલ, બફેલો અને કાઉ મિલ્ક સહિતના તમામ દૂધના ભાવમાં 500 મિલીગ્રામમાં 1 રૂપિયો અને 1 લિટરના પેકીંગમાં રૂપિયા 2નો ભાવ વધારો તા.1લી મેથી અમલી બનાવતા જ રાજકોટમાં ખાનગી ડેરી સંચાલકોએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2નો વધારો કરવા નિર્ણય કર્યો હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને અગ્રણી ડેરી સંચાલક વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું. વી.પી.વૈષ્ણવે ઉમેર્યું હતું કે, અમૂલ દૂધના ભામા થયેલા ભાવ વધારાને પગલે દૂધ તેમજ દૂધની પ્રોડક્ટમાં ભાવ વધારો કરવા અંગે ગુરુવારે સાંજે અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં સર્વાનુમતે દૂધના ભાવમાં 2 રૂપિયાનો ભાવ વધારો કરવા નક્કી કરવામાં આવ્યું હતું
વધુમાં દૂધના ભાવમાં વધારો થતા સ્વાભાવિક રીતે જ દૂધની બનાવટ એવા દહીં, છાસ, પનીર, બટર, મીઠાઈ, શ્રીખંડ સહિતની ચીજોના ભાવમાં વધારો કરવા અંગે પણ ડેરી સંચાલકોએ નિર્ણય કર્યો હોવાનું અને ટૂંક સમયમાં જ નવા ભાવ અમલી બનાવવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, રાજકોટમાં અંદાજે 500થી વધુ ખાનગી ડેરીઓ આવેલી છે. આ તમામ ડેરી સંચાલકોએ અમૂલના દૂધના ભાવમાં થયેલા વધારા બાદ દૂધના ભાવમાં વધારો કરવા નિર્ણય લેતા અમૂલે લગાવેલી ભાવ વધારાની આગ સમગ્ર રાજકોટ સહિત રાજ્યમાં પ્રસરી હોવાનું મનાઈ રહ્યું છે.
પનીરના ભાવમાં પ્રતિકિલોએ 10થી 20નો વધારો થશે
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયા બેનો ભાવ વધારો થતા જ પનીર અને બટરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં પનીર ઉત્પાદન કરતા ઉત્પાદકોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે,સેપ્રેટ દૂધમાંથી બનતું પનીર હાલમાં 260થી 280ના ભાવે બજારમાં વેચાણ થઇ રહ્યું છે જેમાં હાલમાં દૂધના ભાવ વધતા આગામી બે ચાર દિવસમાં જ પનીરના ભાવમાં પ્રતિ કિલોગ્રામે 10થી 20 રૂપિયા ભાવ વધારો કરવામાં આવશે.
ચાની ચુસ્કી રૂ.10ને બદલે 15માં પડશે
રાજકોટ શહેરમાં હાલમાં મોટાભાગના સ્થળોએ અડધી ચા 10 રૂપિયામાં મળે છે. જો કે,છેલ્લા દિવસોમાં ખાંડ, ચા, કોલસો અને માણસોના પગારમાં થયેલા વધારા બાદ હવે દૂધના ભાવમાં પણ રૂપિયા 2નો વધારો આવતા ચાની હોટલના સંચાલકોએ 10 રૂપિયામાં મળતી અડધી ચા ક્વોલિટી મુજબ 12થી 15 રૂપિયા સુધીના ભાવ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આમ અમૂલ દૂધના ભાવમાં થયેલા 2 રૂપિયાના ભાવ વધારાની આગ અનેક જગ્યાએ પ્રસરી જવા પામી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.