વડાપ્રધાન મોદીએ કઈ મોટી યોજનાનો શિલાન્યાસ કર્યો ? વાંચો
ખજુરાહોમાં રૂપિયા ૪૫ હજાર કરોડની કેન-બેતવા લિન્ક પરિયોજનાનો કર્યો શિલાન્યાસ; એમપી-યુપીના લાખો લોકોનો વિકાસ થશે
25મી ડિસેમ્બર એટલે કે બુધવારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ હતી. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખજુરાહોમાં દેશની પ્રથમ મહત્વકાંક્ષી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. એમણે કહ્યું હતું કે આ અટલ બિહારી વાજપેયીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. એમણે લગભગ 20 વર્ષ પહેલા ‘રિવર લિન્કિંગ કેમ્પેઈન’ની કલ્પના કરી હતી. તેમણે દેશભરની નદીઓને જોડીને છૂટાછવાયા જળ સંસાધનોના યોગ્ય સંચાલનનું સપનું જોયું હતું. આ યોજના રૂપિયા ૪૪૬૦૫ કરોડની છે. આ યોજનાથી એમપી અને યુપીના લાખો લોકો અને ખેડૂતોને લાભ થશે.

અટલજીનું સ્વપ્ન હતું કે દેશભરની નદીઓ એકબીજા સાથે જોડાયેલી હોય અને પાણીના દરેક ટીપાનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્ર માટે થાય. આ પ્રોજેક્ટના શિલાન્યાસ સાથે, અટલ બિહારીનો નદીઓને એકબીજા સાથે જોડવાનો સંકલ્પ અને સમૃદ્ધિનું તેમનું સ્વપ્ન સાકાર થશે.
મધ્યપ્રદેશ અનેક નદીઓનું ઘર છે, આ રાજ્ય સેંકડો નાની-મોટી નદીઓના વિપુલ પ્રમાણમાં જળ સંસાધનોથી સમૃદ્ધ છે. રાજ્યની નદીઓના આશીર્વાદથી આ બહુહેતુક પ્રોજેક્ટ બુંદેલખંડની જીવાદોરી સાબિત થશે. મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં આ બહુપ્રતિક્ષિત કેન-બેતવા પ્રોજેક્ટને પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકારે 45 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર પાસેથી 90 ટકા ખર્ચ મેળવ્યા પછી, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોએ બાકીના પાંચ ટકા ચૂકવવા પડશે.
અંદાજિત કિંમત ૪૪૬૦૫ કરોડ રૂપિયા
નેશનલ પરસ્પેક્ટિવ પ્લાન હેઠળ કેન-બેતવા પ્રોજેક્ટની અંદાજિત કિંમત ૪૪૬૦૫ કરોડ રૂપિયા છે. પ્રોજેક્ટના અમલીકરણ માટે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ અને કેન્દ્ર સરકાર વચ્ચે 22 માર્ચ, 2021ના રોજ ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.