કોલકત્તામાં મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ પ્રથમ વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ
નિવેદન આપ્યું હતું.આ ઘટનાઓને તેમણે ભયાનક ગણાવી હતી અને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે 2012ના નિર્ભયા કાંડ પછી પણ હજારો મહિલાઓ દુષ્કર્મ અને હત્યાનો ભોગ બની છે અને સમાજે એ ઘટનાઓને ભુલાવી દીધી છે. સમાજનો આ સામૂહિક સ્મૃતિ ભ્રંશ ચિંતાજનક હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે ઇનફ ઇઝ ઈનફ.કોઈ સભ્ય સમાજ આ રીતે મહિલાઓની પજવણી, તેમની સામેની નિર્દયતા, બળાત્કાર કે હત્યા જેવી ઘટનાઓને સ્વીકારી શકે નહીં.
રાષ્ટ્રપતિએ કહ્યું કે કોલકત્તાની ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે અને આંદોલનો ચાલુ છે ત્યારે પણ દેશના વિવિધ ભાગોમાં મહિલાઓ પરના દુષ્કર્મની ઘટનાઓ અવિરત ચાલુ છે. પરોક્ષ રીતે તેમણે ઉત્તરાખંડ તેમજ મહારાષ્ટ્રમાં મહિલા નર્સ સાથે બનેલી ઘટનાઓ તથા મલયાલમ ફિલ્મ જગતમાં મહિલા કલાકારોના જાતીય શોષણની ઘટનાઓ અંગે તેમજ બદલપુરની ઘટનાઓ અંગે નિર્દેશ આપ્યો હતો. તેમણે એ બાબતે આઘાત વ્યક્ત કર્યો હતો કે તબીબો અને વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે પણ આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.
