સ્થળ પર હાજરી,પહેરેલા કપડાં,સાક્ષીઓના નિવેદનઃ પેંડા-મરઘા ગેંગ વિરુધ્ધ ચાર્જશીટ તૈયાર,ગુજસીટોક હેઠળ આકરી સજા થાય તેવા તમામ પૂરાવા સામેલ કરાયા
ગત વર્ષે 29 ઓક્ટોબરના વ્હેલી સવારે 3:30 વાગ્યે શહેરના મંગળા મેઈન રોડ ઉપર બે કુખ્યાત ગેંગ વચ્ચે સામસામું ધાણીફૂટ ફાયરિંગ થતાં શહેરીજનોમાં તો ભયનો માહોલ ફેલાઈ જ ગયો હતો સાથે સાથે પોલીસની શાખ ઉપર પણ સવાલ ઉપસ્થિત થવા લાગ્યા હતા. સ્થિતિ વણસી રહ્યાનું પારખી જઈ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક બન્ને ગેંગના ટપોરીઓને પકડી લેવાનો આદેશ આપતાં જ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની અલગ-અલગ ટીમે રાજકોટ ઉપરાંત દેશના અન્ય રાજ્યમાં છૂપાયેલા મરઘા અને પેંડા ગેંગના 36 આરોપીઓને દબોચી લઈ તેમની આગવી ઢબે સરભરા કરી હતી.
આ પછી બન્ને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દેવાયા બાદ હવે 90 દિવસની અંદર 15,000 પાનાનું ચાર્જશીટ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :રાજકોટ મહાપાલિકામાં સફાઇ કામદારને ‘પ્રમોશન’ મળતાં જ ‘લાંચ’ લેવાનું શરૂ કરી દીધું! પહેલાં ઓનલાઇન પછી રોકડમાં લેતો’તો લાંચ
આ કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી ત્યારે પીઆઈ એસ.એમ.જાડેજા, રાઈટર એએસઆઈ અરુણ બાંભણિયા, અંશુમાન ગઢવી, વિરેન્દ્રસિંહ સહિતની ટીમે આરોપીઓ પકડાયા બાદ તેમના વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
ચાર્જશીટમાં બન્ને ગેંગના લોકોની સ્થળ પર હાજરી, ગુના સમયે તેમણે પહેરેલા કપડા, 200થી વધુ સાક્ષીઓના નિવેદન, ફાયરિંગમાં વપરાયેલી ગનનો ગન પાઉડર સહિતના તમામ પૂરાવા આવરી લેવામાં આવ્યા છે ત્યારે હવે ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા બાદ કેસ ચાલવા ઉપર આવશે.
એકંદરે ગેંગના દરેક સભ્યને ગુજસીટોક હેઠળ આકરી સજા થાય તે પ્રકારનું ચાર્જશીટ તૈયાર કરાયાનું જાણવા મળ્યું હતું.
