કાલે છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન
NDA અને I.N.D.I.Aના નેતાઓની અગ્નિપરીક્ષા શરુ
બંને રાજ્યોમાં જાહેર પ્રચાર પૂરો
છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો અને મિઝોરમની તમામ 40 બેઠકો માટે થશે મતદાન
છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે તા. ૭મીએ મતદાન થશે. આ બંને રાજ્યોમાં જાહેર પ્રચાર પૂરો થઇ ગયો છે અને એન.ડી.એ. તથા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. છત્તીસગઢમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં 20 બેઠકો અને મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આગામી મહિનાની 3જી તારીખે મતગણતરી થશે.આ સિવાય મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.
પ્રથમ વખત, છત્તીસગઢ-ઓરિસ્સા બોર્ડર પર ચાંદમેતામાં અને જગદલપુર બસ્તરમાં તુલસી ડોંગરી હિલ વિસ્તારમાં મતદાન મથક બનાવવામાં આવ્યું છે. અગાઉ ગ્રામજનોએ મતદાન કરવા માટે 8 કિમી ચાલીને બૂથ સુધી જવું પડતું હતું.
છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારનો મોરચો સંભાળ્યો હતો અને જાહેરસભાઓ સંબોધી હતી.અ સભાઓમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યની કોંગ્રેસ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા છે અને રાજ્યની જનતા ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના જગદલપુર અને ખરસિયામાં ચૂંટણી સભાઓને સંબોધી હતી. શ્રી ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે આદિવાસીઓને આપેલા દરેક વચનને પૂર્ણ કર્યું છે.
મિઝોરમમાં, તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે. રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ પણ પ્રચારના અંતિમ તબક્કામાં જોડાયા હતા.
આઈઝોલમાં કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ ડૉ. શશિ થરૂરે કહ્યું કે કોંગ્રેસ પક્ષ હંમેશા વિવિધતા માટે ઉભો રહ્યો છે અને દેશની વિવિધતાની ઉજવણી કરે છે. જોરમ પીપલ્સ પાર્ટીએ રાજ્યની સંસ્કૃતિ, પરંપરા અને મિઝો લોકોની ધાર્મિક માન્યતાઓનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
છત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસની સરકાર બની હતી
છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 15 વર્ષ બાદ સત્તામાં પરત ફર્યું હતું. 90 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસને બે તૃતીયાંશ બહુમતી મળી હતી. જ્યારે ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી કોંગ્રેસને 68 બેઠકો મળી હતી. હાલમાં છત્તીસગઢમાં કોંગ્રેસના 71 ધારાસભ્યો છે, ભાજપ પાસે 13 ધારાસભ્યો છે, બસપા પાસે બે છે, ત્રણ ધારાસભ્યો જનતા કોંગ્રેસ છત્તીસગઢ પાર્ટીના છે અને એક ખાલી છે. રાજ્યમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે.
મિઝોરમમાં ભાજપે માત્ર એક સીટ જીતી
મિઝોરમમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) 10 વર્ષ પછી પરત ફર્યું હતું. . કુલ 40 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં MNFને 26 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી. આ સિવાય જોરમ પીપલ્સ મૂવમેન્ટને આઠ સીટ મળી અને એક સીટ ભાજપના ફાળે ગઈ. સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીએ જોરામથાંગાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વિધાનસભાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો મિઝો નેશનલ ફ્રન્ટ પાસે હાલમાં 28 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે પાંચ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ પાસે એક, ભાજપ પાસે એક અને પાંચ અપક્ષ છે.