- વિપક્ષના નેતાની તુલના ‘ દેશી તમંચા’ સાથે કરી
કર્ણાટક ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધીની જાતિ અંગે કરેલા ઉલ્લેખોને કારણે વધુ એક નવા વિવાદના મંડાણ થયા છે. બાજીપુર બેઠકના ધારાસભ્ય બસનગૌડા પાટીલે રાહુલ ગાંધી કઈ જાતિના અને કયા સમુદાયના છે એવો પ્રશ્ન કર્યો હતો અને રાહુલ ગાંધી નો સાચો વંશવેલો નક્કી કરવા માટે તપાસની માંગણી કરી હતી.
પાટીલે કહ્યું કે રાહુલ ગાંધી અમેરિકા જઈ અને દેશ વિરોધી લાગણી ભડકાવે છે. તેઓ જાતિજનગણના માગે છે પણ તેમને પોતાને પોતે કઈ જાતિમાં જન્મ લીધો છે એ ખબર નથી. તેમને તેઓ મુસ્લિમ છે કે ખ્રિસ્તી એ ખબર નથી. પાટીલે કહ્યું કે એ અંગે તપાસ થવી જોઈએ.આગળ વધતા પાટીલે પ્રશ્ન કર્યો કે રાહુલ પોતાને બ્રાહ્મણ ગણાવે છે તો કયા બ્રાહ્મણ છે? તેમણે રાહુલ ગાંધીની તુલના દેશી તમંચા સાથે કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં દેશી પિસ્તોલ મળે છે.
રાહુલ તેના જેવા જ છે. તેમનાથી કોઈ વિકાસ નહીં થઈ શકે.
નોંધનીય છે કે આ અગાઉ સંસદમાં ભાજપના નેતા અનુરાગ ઠાકુરે પણ રાહુલની જ્ઞાતિ જાતિ અંગે કરેલી ટિપ્પણીએ ભારે વિવાદ સર્જ્યો હતો. તેમણે રાહુલ ગાંધીને નિશાન બનાવતા કહ્યું હતું કે જેમને પોતાને જાતે ની ખબર નથી એ જાતિ જનગણનાની માગણી કરી રહ્યા છે. હવે કર્ણાટક ભાજપના ધારાસભ્ય પાટીલે ફરી એક વખત એ જ મુદ્દો ઉછાળતા ભારે વિવાદ થયો છે. નોંધનીય છે કે પાટીલ વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે પ્રખ્યાત છે. આ અગાઉ ડિસેમ્બરમાં તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ નહિ પરંતુ સુભાષચંદ્ર બોઝ હતા એવું નિવેદન કર્યું હતું.