સામાન્યત: શિરસ્તો એવો હોય છે કે જે વિષય ઉપર લેખ હોય તે લેખના પ્રથમ ફકરામાં તે વિષયનું દુનિયામાં, આ દેશમાં અને વાચકના જીવનમાં કેટલી સંલગ્નતા ધરાવે છે તે મહત્વ પ્રતિપાદિત કરી દેવું પડે, આંકડાઓથી કે તે વિષયના ભવ્ય ઈતિહાસથી. પણ એજ્યુકેશન વિષય એવો છે કે તેનું માહાત્મ્ય સજ્જ વાચકોને કહેવાની જરૂર પડતી નથી. એનું કારણ સિમ્પલ છે કે તમે આ લેખ વાંચવાની શરૂઆત કરી એ મુદ્દો જ પરોક્ષ પણ સટીક રીતે કહી દે છે કે તમે શિક્ષણના મહત્વને સમજો છો.
વાત અત્યારે શિક્ષણ કરતાં પણ ખાસ તો શિક્ષણ આપવાની પદ્ધતિની વધુ છે. મુદ્દો અવાવરું થઇ રહેલી એજ્યુકેશન સીસ્ટમનો છે. આપણામાંથી ઘણા બધા પ્રવર્તમાન એજ્યુકેશન સીસ્ટમથી નાખુશ છે, અસંતુષ્ટ છે. બાળકનું બાળપણ, યુવાનની જન્મજાત સહજવૃતિ અને કોઈ પણ માણસની પ્રકૃતિદત્ત પરિતુષ્ટિનું નિર્દયતાથી બાળમરણ કરવા માટે આપણી શિક્ષણ પદ્ધતિએ સારી હથોટી મેળવી લીધી છે. શબ્દકોશમાં શિક્ષણ પછીનો તરતનો શબ્દ આવે છે, શિક્ષણકળા. શિક્ષણ એ કળા છે એવું સદીઓથી આપણને ખબર છે પણ હકીકત એ છે કે વસ્તુત: એ કળાનો કાગડો થઇ ગયો છે. જડમૂળથી પરિવર્તનની આવશ્યકતા જ નહિ બલકે અનિવાર્યતા હોવા છતાં શિક્ષણ હંમેશા ઉપેક્ષિત રહ્યું છે. ફક્ત સમાજ જ નહિ, આખો દેશ જ નહિ પણ સમગ્ર માનવજાત આ શિક્ષણના પાયા ઉપર ટકેલી છે તો પણ શિક્ષણ સાથે સાવકું વર્તન નિરંતર ચાલતું આવે છે.
શિક્ષણની વ્યુત્પત્તિ ‘શિક્ષ’ ધાતુમાં છે. શિક્ષ એટલે શીખવવું (to learn). Education શબ્દ લેટીન ēducātiō માંથી આવે છે જેનો અર્થ થાય, ઉછેર કરવો, મોટું કરવું, વંશવૃદ્ધિ કરવી! અર્થાત શિક્ષણને જીવનનો જો એક ભાગ માત્ર માનતા હોઈએ તો એ ભૂલ છે, જીવન ખુદ એક શિક્ષણ છે. શિક્ષણ શું છે કે શિક્ષણ કેવું હોવું જોઈએ એની ફિલોસોફીકલ ચર્ચા કરવાના બદલે ફાસ્ટ ફોરવર્ડ કરીને પ્રેક્ટીકલ મેનરમાં વર્તમાનની વાત કરીએ. તોતેર મણનો સવાલ એ છે કે એજ્યુકેશનનો અલ્ટીમેટ પર્પઝ શું? ભણવાથી છેલ્લે શું મળશે? શિક્ષણનો હેતુ શું છે? કે બાળક મોટું થાય ત્યારે આર્થિક રીતે પોતાના પગ ઉપર ઉભું રહી શકે એટલે કે આવનારી પેઢીઓને આર્થિક સ્વતંત્ર બનાવવાનો પર્પઝ છે એજ્યુકેશનનો. હા, સામાજિક કે સાંસ્કૃતિક બાબતો પણ ખરી પણ એ ત્રીજી-ચોથી કે પાંચમી પંક્તિના સાઈડ પર્પઝીસ છે. પણ મુખ્ય ફાયદો તો એ કે બાળક કામાતુ થઇ જાય. રાઈટ? તો હવે આર્થિક વિષયક હેતુની ચર્ચા કરવા માટે એક સર્વે તપાસવા જેવો છે. વિશ્વની મસમોટી કંપની એટલે IBM. એણે હમણાં વિવિધ ૮૦ દેશોની મલ્ટીનેશનલ કંપનીઓના ૮૦૦ જેટલા CEO, ચેરમેન કે મેનેજીંગ ડાયરેક્ટરનો ઈન્ટરવ્યુ કરેલો. એ બધાને પૂછવામાં આવેલું કે એવી તે કઈ વસ્તુ છે જે તમને દિવસરાત દોડતા રાખે છે. એ કયા મુખ્ય કારણો છે જે તમારી કંપનીને સતત સફળતાના ગ્રાફ ઉપર ટોચ ઉપર જ રાખે છે? એ બધા જ સફળ બીઝનેસ ટાયકુનના જવાબમાં અચરજભરી સામ્યતા હતી. ઓવરઓલ, બધાનું કહેવું હતું કે બે ગુણો, બે ક્વોલીટીઝ એવી છે કે એ બંનેને કારણે આજે અમારી કંપનીનું નામ જગતના દરેક ખૂણે છે. એ બે ક્વોલીટીઝ કઈ?
ઉતરતા ક્રમમાં જોઈએ તો, પહેલો ગુણ Adaptability એટલે કે અનુકુલનક્ષમતા અર્થાત જે તે કંપનીની સમય મુજબ જમાના સાથે બદલાવ લાવવાની તત્પરતા અને ક્ષમતા. આ ક્વોલીટી બરાબર સમજવા માટે એક ઉદાહરણ: કોડાક કંપનીનું. એક સમય હતો જ્યારે કેમેરા અને કોડાક બંને સામાનાર્થી ગણાતાં. કોડાકે તો ફોટોગ્રાફીનો આખો યુગ સમસ્ત વિશ્વમાં લાવ્યો, એવું કહી શકાય. પણ અત્યારે કોડાક કંપનીની હાલત શું છે? સેઈમ કેન બી સેઇડ ફોર નોકિયા. નોકિયાના ફોન એક સમયે સ્ટેટસ સિમ્બોલ ગણાતા, આજે તેની દયનીય હાલત છે. શું કામ? કોડાક અને નોકિયાની આવી કરુણાજનક સ્થિતિ શું થઇ? પહેલા કરતા તો વધુ ફોટોઝ આજે પડે છે. દર સેકન્ડે હજારો સેલ્ફી અને સેંકડો ફોટોગ્રાફ્સ ખાલી એક વડોદરા જેવડા શહેરમાં પડાતા હશે. ડ્યુઅલ સીમકાર્ડ હોવા છતાં લોકો આજે બે બે સેલફોન રાખે છે અને દર વર્ષે ડબલું બદલી નાખે છે. એનો મતલબ એમ કે ફોટોગ્રાફ્સનો અને સેલફોનનો ક્રેઝ પહેલા કરતા તો વધ્યો જ છે તો પણ કોડાક અને નોકિયા કેમ દેવાળિયા બની ગયા? કારણ કે તેઓ બદલાતા સમય સાથે ‘એડજસ્ટ’ ન થઇ શક્યા. પરિવર્તનનો પવન ફૂંકાતો હતો ત્યારે તેઓ સઢ પલાણવામાં રહ્યા જ્યારે બીજી કંપનીઓએ ત્યારે તે પવનમાં પોતપોતાની પવનચક્કીઓ ખોસી દીધેલી.
ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંત ફક્ત કોઈ કંપની માટે કે જીવ માટે જ નહિ પણ કોઈ પણ માણસની કરીઅર માટે પણ એટલો જ લાગુ પડે છે. પણ આ અનુકુલનક્ષમતા આપણે શિક્ષણમાં આપીએ છીએ ખરા? ટેક્સ્ટબુક્સ વર્ષો જૂની એ જ ઘરેડમય ચાલ્યા કરે છે. પરીક્ષાપદ્ધતિ પણ એવી કે જે ટેક્સ્ટબુકમાં આપ્યું હોય એ જ પુછાય. વિદ્યાર્થીની વિદ્યાને બદલે પરીક્ષાર્થીની યાદદાસ્તની કસોટી લેવાય છે આ પદ્ધતિમાં. ટૂંકમાં, આજનું એજ્યુકેશન એવું છે કે ગોખણીયા બાળકોને નંબર એક ઉપર લઇ જવાનો કૃત્રિમ આભાસ તેના વાલીઓ સામે રજુ કરે. પાંચ વર્ષ પહેલા સ્માર્ટફોન હતા નહિ, અચાનક સ્માર્ટફોન આવ્યા અને આખું પિક્ચર બદલાઈ ગયું લાઈફસ્ટાઈલનું. હવે પાંચ-પાંચ વર્ષમાં જમાનો બદલાય છે, ત્યારે એ જ જુના પાઠ્યપુસ્તકો ગોખનાર વિદ્યાર્થી બદલાતા જમાનામાં અનુકુલન કઈ રીતે સાધશે? છેલ્લા અનેક વર્ષોથી કોઈ જ ક્રાંતિકારી શોધ ભારતમાં નથી થઇ એનું કારણ હવે સમજાય છે?
અને પહેલો મુદ્દો, પહેલી ક્વોલીટી જે પેલી બધી કંપનીઝના ચેરમેન લોકોએ કહેલી તે છે: Creativity એટલે કે સર્જનાત્મકતા, રચનાત્મકતા. કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે સર્જનાત્મકતા વિના પ્રગતિ ન કરી શકાય. દરેક માણસ બાકીના ૭ અબજ માણસો અને ખર્વો-નિખર્વ જીવો કરતા જન્મજાત જુદો હોય છે. બાળકમાં એની પોતાની, individuality અને originality ખુદ કુદરત મુકે છે. પણ આપણું એજ્યુકેશન તે કુદરતી નાવીન્ય ભૂંસીને તેને બીજા જેવા જ સામાન્ય બનાવી નાખે છે. મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોનું સરસ ક્વોટ છે કે: દરકે બાળક એક આર્ટીસ્ટ હોય છે, પણ મોટા થતા ફક્ત જુજ લોકો જ પોતાની અંદરના એ આર્ટીસ્ટને જીવાડવા સમર્થ રહી શકતા હોય છે. યસ, એવરી ચાઈલ્ડ ઇસ અ બોર્ન આર્ટીસ્ટ. પણ એની અંદર રહેલી કળાને મારી નાખવાનું કામ આપણી રૂઢ થઇ ગયેલી એજ્યુકેશન સીસ્ટમ કરે છે. તમે વિચારો, બાળકનો જન્મ થાય ત્યારે એને રડતા કે હસતા શીખવાડવું પડે છે? એને બોલતા શીખવાડવું પડે છે? ના. બાળક ખુબ જ જોરદાર શીખનાર હોય છે. એની મેળે એ આજુબાજુના પરિસરમાંથી અકલ્પનીય ઝડપે શીખી લેતું હોય છે. એમને ચાલતા-બોલતા-જોતા-કુતુહલવશ મોઢું ફેરવતા-અવાજની દિશામાં ટગરટગર જોયે રાખતા-મમ્મી પપ્પાને ઓળખતા-રંગબેરંગી રમકડાથી રમતા-તોડફોડ કરતા શીખવવું નથી પડતું. તે એ જાતે શીખી લે છે. (હા, લખતા શીખવાડવું પડે છે કારણ કે, માણસની ઉત્ક્રાંતિમાં તે લખતા છેલ્લા બેએક હજાર વર્ષથી જ શીખ્યો છે માટે). દરેક બાળકને કેમ શીખવું અને પોતાની જીજ્ઞાસાવૃતિ કઈ રીતે સંતોષવી એ આવડતું જ હોય છે.
પણ, આપણે એમને ચાર દીવાલોની અંદર પેક કરીને, ઉપકાર કરતા હોઈએ એમ વચ્ચે એક રીસેસ આપીને સતત છ કલાક એક જ જગ્યાએ બેસાડીને ભણાવવાની ચેષ્ટા કરતા હોઈએ છીએ. હકીકતમાં, એ ચેષ્ટા નથી, તે બાળમજુરી છે, માનવજાતની વિકૃતિ પણ છે. કુદરતનો ખોળો ખુંદવા સર્જાયેલું બાળક, એક બેંચ ઉપર સતત એકધારુ બેઠું રહે અને પછી આપણે એ આશા રાખીએ કે એ ખુબ સર્જનશીલ બને. ક્યાંથી બને? બાળકની ક્રિએટીવીટીની પાંખો જ આપણે પ્રી-સ્કુલ અને કેજીથી કાપી નાખીએ છીએ. અને એમાં વાલીઓ અને જે તે શિક્ષણ સંસ્થાઓ બંનેનો સહિયારો ફાળો છે. બેંચ ઉપર બેસાડીને પાંચ-પાંચ વખત એકની એક વસ્તુ લખનારા એ બાળકો વિદ્યાર્થી નહિ પણ ક્લાર્ક છે. આપણે એની પાસે લહિયાની મજુરી કરાવીએ છીએ, નહિ કે શીખવીએ છીએ.