PM મોદી આ તારીખે જશે અમેરિકાના પ્રવાસે : ન્યૂયોર્કમાં 24 હજાર ભારતીયોને સંબોધશે
નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. ત્યાં તેઓ ૨૨ સપ્ટેમ્બરે ન્યુયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધશે સાથોસાથે યુનોના ખાસ સત્રને પણ સંબોધશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ અમેરિકાની મુલાકાતે પણ ગયા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં 22 સપ્ટેમ્બરે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે. આ કાર્યક્રમને ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ નામ આપવામાં આવ્યું છે. જે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે યોજાશે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને પણ સંબોધિત કરશે.
આ અંગે ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ યુએસએ જણાવ્યું હતું કે અમેરિકાના 42 રાજ્યોમાંથી ભારતીય પ્રવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. અમે આ ઐતિહાસિક કાર્યક્રમમાં શક્ય તેટલા વધુ લોકો ભાગ લે તેમ ઈચ્છીએ છીએ. અમે બેઠક વ્યવસ્થા વધારવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અત્યાર સુધી આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે.
વડાપ્રધાન મોદીના સંબોધન ઉપરાંત આ કાર્યક્રમમાં વેપાર, વિજ્ઞાન, મનોરંજન અને કલાના ક્ષેત્રોમાં અગ્રણી ભારતીય-અમેરિકનો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવશે.