વડાપ્રધાન મોદી 8 મીએ રશિયા પહોંચશે; પુતિન સાથે વાટાઘાટ
વડાપ્રધાન ત્યાર બાદ ઑસ્ટ્રિયા પણ જશે: પુતિન સાથેની મુલાકાતથી ચીનનું બ્લડપ્રેશર વધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી જુલાઈએ રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ તેમના ખાસ મિત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. 8 મી જુલાઇના રોજ વડાપ્રધાન મોસ્કો પહોંચી જશે.
પરંતુ રશિયાના વિદેશ મંત્રાલયે એવું કહીને દુનિયામાં હલચલ મચાવી દીધી છે કે મોદી અને પુતિન વચ્ચે ‘નો લિમિટ ટોક’ નહીં થાય. એટલે કે આ વાતચીતની કોઈ મર્યાદા નથી. આથી ચીન હોય કે અમેરિકા, દુનિયાના મોટા દેશો આ બેઠક પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ વાતચીતમાંથી કંઈક બહાર આવવાની સંભાવના છે, જે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મોદી 08-09ના રોજ મોસ્કોમાં હશે. પુતિન સાથે લાંબી દ્વિપક્ષીય વાતચીત થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી. મોદી ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.
ઑસ્ટ્રિયા પણ જશે
વડાપ્રધાન 09-10 જુલાઈના રોજ ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિને મળશે અને ચાન્સેલરને મળશે. ત્યાંના વેપારીઓને મળવાનો પણ કાર્યક્રમ છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ સમયગાળો રશિયા માટે છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે.