વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી !! મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ધમકીભર્યો કોલ; તપાસ શરૂ
છેલ્લા ઘણા સમયથી નેતાઓ તેમજ બૉલીવુડ સ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર પીએમ મોદીની હત્યાના કાવતરા અંગેનો કોલ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર આ કોલ આવ્યો હતો. ફોન કરનારે કોલ પર દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ કોલની ગંભીરતાને જોતા મુંબઈ પોલીસે કોલ કરનારની શોધ શરૂ કરી છે. આ મામલાની તપાસ હજુ ચાલુ છે અને ધમકીના કોલની તપાસ કરવામાં આવી રહી છે.
મોદીને 6 વર્ષમાં ત્રણ ધમકીઓ મળી
2023: હરિયાણાના એક વ્યક્તિએ વીડિયો વાઇરલ કરતી વખતે મોદીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. વીડિયોમાં યુવકે પોતાને હરિયાણાનો બદમાશ અને સોનીપતના મોહના ગામનો રહેવાસી ગણાવ્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું હતું કે જો વડાપ્રધાન મોદી મારી સામે આવશે તો હું તેમને ગોળી મારી દઈશ.
2022: પીએમ મોદીને ઝેવિયર નામની વ્યક્તિએ ધમકી આપી હતી. ઝેવિયરે કેરળ બીજેપી અધ્યક્ષ કે. સુરેન્દ્રનને મોકલેલા પત્રમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા લખવામાં આવ્યું હતું- મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે. તે સમયે PM કેરળના પ્રવાસે જઈ રહ્યા હતા. બાદમાં પોલીસે ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી.
2018: મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાન નામના વ્યક્તિએ તેના ફેસબુક પેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. પોતાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સભ્ય ગણાવતા તેણે દેશના પાંચ મોટા શહેરોમાં વિસ્ફોટ કરવાની વાત કરી હતી. આ વ્યક્તિએ પ્રતિબંધિત સંગઠન ISISના ઝંડાનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.