પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 2-3નો ઘટાડો સંભવ : રેટિંગ એજન્સી ઇકરાનું અનુમાન, ઓઇલ માર્કેટિંગ કંપની ભાવમાં કરી શકે છે ઘટાડો
- ઘણા સમયથી ક્રુડના ભાવ ઓછા છે અને ઓઈલ માર્કેટિંગ કંપની લોકોને રાહત આપવાનું વિચારે છે : રેટિંગ એજન્સી ઇકરાનું અનુમાન
નવી દિલ્હી
દેશમાં પેટ્રોલ ડીઝલની કિમતમાં છ માસ પહેલા એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા માર્ચ માસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યાર પછી લોકોને કોઈ રાહત આપવામાં આવી નથી પરંતુ હવે ટૂંક સમયમાં રાહત મળે તેવી સંભાવના છે. રેટિંગ એજન્સી ઇકરાનું અનુમાન માનવામાં આવે તો ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવશે. થોડા સમય પહેલા પેટ્રોલીયમ સચિવ પણ કહી ગયા હતા કે ક્રુડના ભાવ લાંબા સમય સુધી ઘટેલા રહેશે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ભાવમાં ઘટાડો કરશે.
ક્રૂડ પહેલાંની તુલનાએ સસ્તું છે,જેથી દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવાની માગ થઈ રહી છે ત્યારે ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 2-3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની સંભાવના છે, એવું રેટિંગ એજન્સી ઇકરાએ એક નોંધમાં કહ્યું છે.
ઇકરાએ તેની નોંધમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડના ભાવ 74 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે અને જે માર્ચના 83 84 ડોલર પ્રતિ બેરલની સરખામણીમાં ઘણા ઓછા છે. જો આવું જ રહે છે તો ઘરેલુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 2 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે. સામાન્ય ગ્રાહકો માટે આ નિર્ણય તેમના ખિસ્સા પર વધેલા બોજને થોડો ઘટાડી શકે છે.
ક્રૂડમાં તાજેતરના ઘટાડાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સારા માર્જિનથી નફો કરી રહી છે. સરકારી નિયંત્રણ વાળી આ OMCs ને આ સમયે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાથી નુકસાન નહીં થાય, કારણ કે તેઓ પહેલેથી જ નફો કરી રહી છે.
17 સપ્ટેમ્બર, 2024 સુધી આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કિંમતની તુલનામાં આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ મેળવવામાં રિકવરી 15 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ માટે 12 રૂપિયા પ્રતિ લિટર વધારે રહી છે. માર્ચ, 2024થી ઈંધણના છૂટક ભાવ બદલાવ વિના સ્થિર રહ્યા છે. લોકસભા ચૂંટણીઓના થોડા સમય પહેલા 15 માર્ચ 2024એ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બે રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.