અમેરિકામાં કાયમી વસવાટ કરવાનું ભારતીય નાગરિકો માટે મુશ્કેલી બન્યું
અમેરિકામાં EB 5 બિનઅનામત શ્રેણી હેઠળ H1-B વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીયો માટે માઠાં સમાચાર છે.એ અરજી હેઠળની કટ ઓફ ડેટ છ મહિના આગળ ધકેલી દેવામાં આવતા અનેક ભારતીયોની ગ્રીન કાર્ડ મેળવવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
આ અગાઉ 1 નવેમ્બર 2019 સુધીમાં અરજી કરનાર ભારતીય નાગરિકો H 1-B વિઝા અને ગ્રીન કાર્ડ માટે પાત્રતા ધરાવતા હતા પણ નવા નિયમ મુજબ હવે 1 મે 2019 સુધીના અરજદારોની અરજી જ ધ્યાન ઉપર લેવાશે.અમેરિકાએ માત્ર ભારતીય અરજદારો માટે જ આ ફેરફાર કર્યો છે. નોંધનીય છે કે ચીની અરજદારોની EB-5 કટઓફ તારીખ 22 જાન્યુઆરી, 2014 યથાવત રાખવામાં આવી છે.
EB-5 શ્રેણીમાં સામાન્ય વિદેશી નાગરિકો ઉપરાંત ગ્રામીણ, ઉચ્ચ બેરોજગારીવાળા વિસ્તારો અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરનારાઓ માટે ચોક્કસ ક્વોટા અનામત રાખવામાં આવ્યો છે. જો કે ભારતીય નાગરિકોની મોટાભાગની અરજીઓ બિનઅનામત શ્રેણી હેઠળની છે અને તે સંખ્યા મર્યાદિત કરવાના હેતુથી કટ ઓફ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સના વિઝા બુલેટિન માં જણાવવામાં આવ્યું હતું.
