‘પાકિસ્તાનના લોકો શેહજાદાને PM બનાવવા માગે છે : આણંદમાં વડાપ્રધાને કોના પર કર્યા પ્રહાર ??
લોકસભાની ચુંટણી માટેના પ્રચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતિશીલ બનાવીને ગુજરાતનાં બે દિવસના ઝંઝાવાતી પ્રચારમાં વાતાવરણ જોશિલું બનાવી દીધું હતું. ગુરુવારે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને આણંદ, સુરેન્દ્રનગર,જૂનાગઢમાં સભાઓ સંબોધીને કોંગ્રેસ સહિતના વિપક્ષ પર ઉગ્ર પ્રહાર કર્યા હતા.
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ભારે જનમેદની વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આતંકી એક્સપોર્ટ કરનાર અત્યારે લોટ માટે તરસે છે.’ તો રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘પાકિસ્તાનના લોકો શેહજાદાને પીએમ બનાવવા માગે છે.’
પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે
કોંગ્રેસનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે ‘દેશના લોકોએ 60 વર્ષ સુધી કોંગ્રસનું શાસન જોયું છે જ્યારે લોકોએ ભાજપના દસ વર્ષના સેવાકાળને પણ જોયો છે. પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે.’
એમણે કહ્યું કે ‘આઝાદીના 100 વર્ષે ભારત વિકસિત હોવો જોઇએ. આણંદના લોકોને સમજાવવું નહીં પડે કે વિકસિત ગુજરાત કેવું હશે, કેમ કે તેમણે આખી દુનિયા જોયેલી છે. 140 કરોડ લોકોના સપના પૂરા કરવા મારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ છે. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.’