બાકીવેરો ભરી દેજો નહીંતર જપ્તી! 154 કરોડ ભેગા કરવા રાજકોટ મનપા ઉંધામાથે,665ને મિલકત જપ્તીની નોટિસ
વર્ષનો અંત આવે એટલે રાજકોટ મહાપાલિકાની મિલકતવેરા શાખા સુષુપ્ત અવસ્થામાંથી જાગીને વસૂલાત માટે દોટ મુકતી હોય છે. એકંદરે ડિસેમ્બર સુધી બેઠા-બેઠા અને સમયાંતરે ફિલ્ડમાં જઈને વેરો વસૂલાતો હોય છે પરંતુ જાન્યુઆરીથી ફૌજ ઉતારી ધડાધડ સીલિંગ સહિતની કાર્યવાહી કરાતી હોય છે ત્યારે આ વર્ષે 454 કરોડનો મહાકાય લક્ષ્યાંક આપવામાં આવ્યો હોય તંત્રએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.
મહાપાલિકા દ્વારા 50 હજાર રૂપિયાથી વધુનો વેરો બાકી હોય તેવા 1171 મિલકતધારકોને પોસ્ટ મારફતે ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે જ્યારે 665 બાકીદારોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે. શહેરમાં અંદાજે 5.30 લાખ મિલકત આવેલી છે જેમાંથી સરકારી સહિત અનેક મિલકત દર વર્ષે ઠેંગો બતાવી રહી હોવાનો એકરાર ખુદ અધિકારીઓ પણ કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની 300 કરોડની આવક થઈ ચૂકી છે અને હજુ 154 કરોડ જેવી માતબર રકમ બાકી હોય બાકીદારો ઉપર તૂટી પડવા માટે ધાર સજાવી લેવામાં આવી છે.
તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 207 મિલકતને સીલ લગાવાયું છે જેમાંથી 40એ વેરો ભરપાઈ કરી દેતા તેમની મિલકત પર લગાવાયેલા સીલ ખોલવામાં આવ્યા છે.
