પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ
કોંગ્રેસને મોટો ઝટકો આપતાં, પટણા હાઈકોર્ટે બુધવારે વિપક્ષે પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીને દર્શાવતો AI-જનરેટેડ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ પી.બી. બજંત્રીએ પાર્ટીને આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્દેશ આપતા ચુકાદામાં આ વીડિયોની આકરી ટીકા કરી હતી.
આ પણ વાંચો : PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત
કોંગ્રેસના બિહાર એકમ દ્વારા ગયા અઠવાડિયે પોસ્ટ કરાયેલો આ વીડિયો મોદીની માતાને તેમના સપનામાં આવીને તેમની રાજનીતિની શૈલીની ટીકા કરતો દર્શાવે છે.પાર્ટીએ પોસ્ટમાં કહ્યું હતું, “સાહેબ કે સપનો મેં આઈ મા. દેખિયે રોચક સંવાદ “.
આ વીડિયોએ મોટો રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સાથીઓએ કોંગ્રેસ પર વડાપ્રધાનની માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને દિલ્હી ચૂંટણી સેલના કોન્વીનર સંકેત ગુપ્તાએ આ વીડિયો વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે વીડિયોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીની છબિને નુકસાન પહોંચાડનારો, અપમાનજનક અને ભ્રામક ગણાવ્યો હતો. આ ફરિયાદના આધારે પટના હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી વીડિયોને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
બુધવારે તેની સુનાવણી બાદ પટના હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ પી.બી. બજંત્રીએ વીડિયોને અપમાનજનક અને ભ્રામક ગણાવ્યો છે. કોર્ટે તેને ગંભીર નૈતિક અને કાયદાકીય સમસ્યા ઉભી કરતો જણાવી બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવા કોંગ્રેસને આદેશ કર્યો હતો. કોર્ટે આદેશમાં AI-જનરેટેડ કન્ટેન્ટના દુરુપયોગ અને તેના રાજકીય ઉપયોગને અનુચિત ગણાવ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી, ચૂંટણી આયોગ, મેટા, ગૂગલ, X અને IT મંત્રાલયને નોટિસ જારી કરી છે, અને કેન્દ્ર-રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે.
નોંધનીય છે કે એ અગાઉ કોંગ્રેસ અને આરજેડીના મંચ ઉપરથી મોદીના માતા માટે બોલાયેલા અભદ્ર શબ્દોને કારણે ભારે વિવાદ થયો હતો. ભાજપે તેના વિરોધમાં બિહાર બંધનું એલાન પણ આપ્યું હતું. એ વિવાદ ચાલુ હતો ત્યારે જ બિહાર કોંગ્રેસે મોદી અને તેમના માતાને દર્શાવતો એ આઈ જનરેટેડ વિડિયો પ્રસિદ્ધ કરતાં બળતામાં ઘી હોમાયું હતું.હવે પટના હાઇકોર્ટે પણ એ વીડિયોની ટીકા કરીશ હટાવવાનો આદેશ કરતા કોંગ્રેસને મોટો રાજકીય ઝાટકો લાગ્યો છે.
