શનિવારે પાટીલ-રત્નાકર રાજકોટમાં : અનેક મુદ્દાનું કરાશે ‘પોસ્ટમોર્ટમ’
- શહેર ભાજપ પ્રમુખ તરીકે ૨૯ લોકોની માતબર દાવેદારી, અમુક નેતા-નેતીઓ સામે વ્યક્ત કરાયેલો વાંધો સહિતના મુદ્દે બેઠક શક્ય
- પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલની સંભવત: છેલ્લી રાજકોટ મુલાકાત: સંગઠન મુદ્દે પણ એ ટુ ઝેડ મંથન થવા વકી
સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લા-શહેર પ્રમુખની નિમણૂક કરવા માટે પ્રદેશ ભાજપને ખાસ્સી મહેનત-મશ્ક્કત થઈ પડી હતી ત્યારે અન્ય શહેરોની માફક રાજકોટમાં પણ એક સાથે ૨૯ જેટલા નેતા-નેતીઓએ દાવેદારી કરતાં કોકડું જબદરસ્ત ગુંચવાયું હતું. આમ તો ભાજપ દ્વારા અત્યાર સુધી સિલેક્ટેડ પ્રમુખ જ મુકવામાં આવતા હતા પરંતુ આ વખતે `નાડ’ પારખવા માટે દાવેદારીની તક અપાતાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા હતા. બીજી બાજુ શહેર ભાજપમાં ઘણો બધો જૂથવાદ પણ વકરી ગયો હોવાની વાત સામે આવી રહી છે ત્યારે આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ-કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના દિગ્ગજો રાજકોટ આવી રહ્યા હોય અનેક મુદ્દાનું `પોસ્ટમોર્ટમ’ કરવામાં આવી શકે છે.
શનિવારે યુનિટી ફાઉન્ડેશનના ઉપક્રમે ૮૧ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય આ પ્રસંગમાં હાજરી આપવા માટે પાટીલ, રત્નાકર ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પાણીપૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સહિતના મંત્રીઓ તેમજ સાંસદો પરસોત્તમ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા સહિતના હાજર રહેવાના છે.
આ કાર્યક્રમ સાંજે ૭ વાગ્યાથી શરૂ થવાનો છે. જો કે તેના પહેલાં જ પાટીલ સહિતના દિગ્ગજો આવી પહોંચી શહેર ભાજપના હોદ્દેદારો, રાજકોટના ધારાસભ્યો, સાંસદો સાથે અનેક મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા રાજકીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ૨૯ લોકોની દાવેદારીની ચર્ચા ખાસ્સી ચાલી છે. આ ઉપરાંત અમુક નેતાઓ-નેતીઓ સામે ભાજપના જ નેતાઓ દ્વારા કરાયેલા વિરોધ, રજૂઆતોની નોંધ પણ પ્રદેશ સ્તરે લેવાયા બાદ તે મુદ્દાની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી શકે છે.