પાપા! બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર અટકાવો..
ઉદ્ધવ ઠાકરેનો વડાપ્રધાન મોદી પર કટાક્ષ
ઉદ્ધવ ઠાકરેએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે હિંમત દાખવવા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો હતો. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે સવાલ કર્યો હતો કે મોદી જો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ અટકાવી શકતા હોય તો તેઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર કેમ અટકાવતા નથી?
રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સેફ પેકેજ આપવા માટે મોદીએ યુદ્ધ અટકાવ્યું હતું તેવા દાવાને યાદ કરીને તેમણે કહ્યું કે,” પાપા, બાંગ્લાદેશમાં હિન્દુઓનું દમન થઈ રહ્યું છે મહેરબાની કરીને તેમને ન્યાય અપાવો”.
વડાપ્રધાન ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ની ઘટનાનો એક જ સંદેશો છે કે જનતા જ સર્વોચ્ચ છે અને સત્તાવાળાઓએ જનતાને ધીરજની કસોટી ન કરવી જોઈએ. જનતાની અદાલત સર્વોચ્ચ છે અને બાંગ્લાદેશની જનતાએ ચુકાદો આપી દીધો છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં આંદોલનકારીઓને રઝાકાર ગણાવવામાં આવ્યા હતા અને ભારતમાં કિસાન આંદોલનકારીઓને આતંકવાદી ગણાવવાયા હતા. બાંગ્લાદેશની ઘટના ચેતવણી આપે છે કે કોઈએ પોતાને ભગવાન ન માનવા જોઈએ આપણે બધા માણસ જ છીએ.
મધ્યપ્રદેશના કોંગી નેતાએ આપ્યું ભડકામણું નિવેદન
કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુરશીદે ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ હોવાનું નિવેદન આપ્યા બાદ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મંત્રી સજજન સિંઘ વર્માએ કહ્યું કે એક દિવસ ભારતના લોકો પણ વડાપ્રધાનના નિવાસ્થાન પર તોફાન કરશે અને તેનો કબજો લઈ લેશે. તેમના આવા ભડકામણા નિવેદન બદલ તેમની સામે ગુનો નોંધવા ભાજપની યુવા પાંખે માંગણી કરી છે.