રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી સામે પનામા ઝૂક્યું : ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને રીન્યુ ન કરવાની જાહેરાત કરી
અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા કેનાલ નો કબજો લઈ લેવાની વધુ એક વખત ચીમકી આપી હતી.
પનામા કેનાલમાં ચીનનું વધતું જતું પ્રભુત્વ ખતરા રૂપ હોવાનું જણાવી તેમણે એ કેનાલ અમેરિકાને સોંપી દેવાની માગણી કરી હતી અને નહિતર ગંભીર પગલા માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી.
એ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિઓ પનામા ની મુલાકાતે ગયા હતા. ત્યાં પનામાના પ્રમુખ રાઉલ મુલોની સાથેની બેઠકમાં તેમણે પનામા કેનાલમાં ચીનના વર્ચસ્વને ઘટાડવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે કેનાલની વર્તમાન સ્થિતિ અમેરિકાને માન્ય નથી અને જો તેમાં ફેરફાર નહીં થાય તો પનામા કેનાલ સંધિની શરતો અંતર્ગત અમેરિકા જરૂરી પગલાં લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ આ કેનાલ પનામાને સોંપી હતી ચીનને નહીં. હવે એ પરત લેવાનો સમય આવી ગયો છે અને જો અમેરિકાને કબજો સોંપવામાં નહીં આવે તો કેટલાક’ પાવરફુલ એક્શન ‘ લેવામાં આવશે. નોંધનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબીઓ ની આ પહેલી વિદેશ યાત્રા હતી.
તેમની આ મુલાકાત બાદ પનામાના પ્રમુખે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને રીન્યુ ન કરવાની જાહેરાત કરી હતી. હવે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તેમજ રોકાણો અમેરિકા સાથે કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી.