ICCને દબાવવાનો પાક.નો ‘ખેલ’ નિષ્ફળ : UAE સામે રમવું જ પડ્યું, સુપર 4માં પહોંચ્યું પાકિસ્તાન,મેચ રેફરી તરીકે પૉયક્રોફ્ટ જ રહ્યા
એશિયા કપની 10મી મેચ પાકિસ્તાન-યુએઈ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી પરંતુ આ મેચ પહેલાં પાકિસ્તાની ટીમ દ્વારા જબદરસ્ત નાટક કરવામાં આવ્યું હતું. ભારતીય ખેલાડીઓએ હાથ ન મીલાવ્યો અને તેના પહેલાં સૂર્યકુમાર યાદવે પણ પાકિસ્તાન સામેની મેચમાં ટોસ દરમિયાન હાથ કે ભાવ ન આપતા રઘવાયેલા થયેલા પાકિસ્તાને દોષનો ટોપલો મેચ રેફરી એન્ડી પૉયક્રોફ્ટ ઉપર ઢોળી દઈ યૂએઈ સામેની મેચ પહેલાં મેચ રેફરીને હટાવવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ આઈસીસીએ માંગ ફગાવી દેતા તેને દબાવવા માટે યૂએઈ સામે મેચ ન રમવાનો `ખેલ’ કર્યો પરંતુ તે ઉંધો પડી જતાં આખરે બુધવારે યૂએઈ સામે મેચ રમવા ઉતરવું જ પડ્યું હતું.
પાકિસ્તાને યુએઈને 41 રનથી હરાવીને સુપર ફોર સ્ટેજ માટે ક્વોલિફાય કર્યું
પાકિસ્તાને યુએઈને 41 રનથી હરાવીને સુપર ફોર સ્ટેજ માટે ક્વોલિફાય કર્યું હતું. રવિવારે ભારત સાથે પાકિસ્તાનનો મુકાબલો પણ નક્કી થઈ ગયો છે. ટોસ જીતીને યુએઈએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ફખર ઝમાનની ફિફ્ટી અને શાહીન આફ્રિદીની વિસ્ફોટક બેટિંગને કારણે યુએઈને 147 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં યુએઈ માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
પીસીબીના નાટકને કારણે મેચ આઠની જગ્યાએ નવ વાગ્યે શરૂ
શરૂ થાય તેની ત્રણ કલાક પહેલાં એટલે કે પાંચ વાગ્યે પાકિસ્તાની ખેલાડીઓને પીસીબી તરફથી એક મેસેજ આપવામાં આવે છે કે મેચ રમવા માટે નથી જવાનું. આ પછી ખેલાડીઓ હોટેલમાં જ રોકાયેલા રહે છે જેના કારણે પાકિસ્તાન એશિયા કપમાંથી બહિષ્કાર કરીને બહાર થઈ ગયું છે તેવી વાત વહેતી થવા લાગે છે. જો કે થોડી જ વારમાં પાકિસ્તાન ટીમ રમવા માટે તૈયાર હોવાનું અને આઈસીસી તેમજ પીસીબી વચ્ચે વાતચીત ચાલી રહ્યાનું જાહેર કરવામાં આવ્યાની થોડી જ મિનિટમાં ટીમને સ્ટેડિયમ પર જવા રવાના થવા માટે કહેવાતા જ ટીમ રવાના થઈ હતી. એકંદરે આ બધા નાટકને કારણે મેચ આઠની જગ્યાએ નવ વાગ્યે શરૂ થવા પામી હતી.
આ પણ વાંચો :ભારત કોઈ પરમાણુ હુમલાની ધમકીથી ડરતુ નથી : વડાપ્રધાન મોદીએ જન્મદિને મધ્યપ્રદેશ સંબોધી જંગી જનસભા
મેચ રેફરી તરીકે પૉયક્રોફ્ટ જ રહ્યા
સૌથી મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાને એવી માંગ કરી હતી કે જો યૂએઈ સામેની મેચ પહેલાં મેચ રેફરી તરીકે એન્ડી પૉયક્રોફ્ટને હટાવાશે નહીં તો તે મેચ રમવા નહીં ઉતરે. જો કે આઈસીસીએ આ માંગ ફગાવી દેતા પાકિસ્તાને રમવું પણ પડ્યું હતું અને મેચ રેફરી તરીકે પૉયક્રોફ્ટ જ રહ્યા હતા. આમ બન્ને બાજુથી ઉંધા માથાની પછડાટ ખાવાનો વખત પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેમજ પીસીબી માટે આવ્યો હતો.
પૉયક્રોફ્ટ માફી માંગે, સૂર્યકુમાર યાદવને દંડ થાયઃ પાકિસ્તાનની હતી માગણી
એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે પાકિસ્તાને આઈસીસી સમક્ષ બે માંગ મુકી હતી જેમાં પહેલી માંગ એ હતી કે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં રેફરી રહેલા એન્ડી પૉયક્રોફ્ટ માફી માંગે અને બીજી માંગ એ હતી કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર દંડ ફટકારવામાં આવે કેમ કે તેણે પહલગામનો ઉલ્લેખ કરીને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાનની એક પણ માંગ સ્વીકારાઈ ન્હોતી.
