પાકિસ્તાન પાસે દારૂગોળાના ફાંફા ચાર દિવસ ચાલે એટલો જ જથ્થો
યુક્રેનને શસ્ત્રો વેંચ્યા તેમાં પોતાના ભંડાર ખાલી થઈ ગયા
પહલગામ આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાનના નેતાઓ દરરોજ ધમકીઓ ઉપર ધમકીઓ તો આપી રહ્યા છે પણ સાચી વાત એ છે કે પાકિસ્તાન યુદ્ધમાં ભારત સામે ચાર દિવસ પણ ટકી શકે તેમ નથી અને તેનું કારણ એ છે કે મોટી મોટી ગુલબાંગો હાંકનાર પડોશી પાસે માત્ર અને માત્ર ચાર દિવસ ચાલે એટલા જ દારૂગોળાનો જથ્થો છે.
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલમાં જણાવ્યા અનુસાર તોપખાનાના દારૂગોળાની તંગીને કારણે પાકિસ્તાનના લશ્કરની ઓપરેશનલ તૈયારીઓ ગંભીર રીતે નબળી પડી છે અને ટૂંકા ગાળાના ઉચ્ચ-તીવ્રતાવાળા સંઘર્ષનો સામનો કરવાની તેની ક્ષમતા અંગે સવાલો ઊભા થયા છે.
આ તંગી માટે યુક્રેન યુદ્ધ જવાબદાર છે.પાકિસ્તાને તાજેતરમાં તેના દારૂગોળાની યુક્રેનને જંગી નિકાસ કરતા તેના પોતાના વ્યૂહાત્મક શસ્ત્ર ભંડારો ખાલી થઈ ગયા છે.અહેવાલમાં જણાવ્યા મુજબ આ પરિસ્થિતિને કારણે પાકિસ્તાન લશ્કર ગંભીર ચિંતા અને ગભરાટમાં મુકાઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ 2 મેના રોજ યોજાયેલી વિશેષ કોર્પ્સ કમાન્ડર્સ કોન્ફરન્સમાંઆ મુદો કેન્દ્ર સ્થાને રહ્યો હતો.
તજજ્ઞોના કહેવા મુજબ અંતર માળખાકીય સુવિધાના આધુનિકરણના અભાવે પાકિસ્તાનની શસ્ત્ર ઉત્પાદક પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીઝ ખખડધજ થઈ ગઈ છે અને અચાનક આવી પડેલા સંઘર્ષ માટે પર્યાપ્ત માત્રામાં દારૂગોળો બનાવવા તે સક્ષમ ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે.એક વરિષ્ઠ સંરક્ષક વિશ્લેષકે જણાવ્યું કે પાકિસ્તાને ટૂંકાગાળાના આર્થિક લાભ માટે યુક્રેનને દારૂગોળો મોકલ્યો પણ હવે તેના પોતાના ભંડારો ખાલી છે ત્યારે યુદ્ધ લડશે કઈ રીતે?
અત્રે નોંધનીય છે કે પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પણ અગાઉ આર્થિક અને લોજિસ્ટિક અવરોધોનો ઉલ્લેખ કરી યુદ્ધ લડવાની પાકિસ્તાનની મર્યાદિત ક્ષમતા અંગે ચેતવણી આપી હતી.પાકિસ્તાન આર્થિક રીતે એ હદે કંગાળ થઈ ગયું છે કે લશ્કરની તાલીમ કવાયતો સ્થગિત કરવી પડી હતી. ઇંધણની અછતને કારણે પૂર્વ નિર્ધારિત મીલીટરી ડ્રીલો પણ રદ કરાઈ હતી.ત્યાં સુધી કે મીલીટરીનું રાશન પણ ઘટાડવાની ફરજ પડી હતી.