પાઘડીનો વળ છેડે આવ્યો: એક સમયના ગાઢ સાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હવે કટ્ટર દુશ્મન
પાકિસ્તાનની એર સ્ટ્રાઈક બાદ બંને દેશ વચ્ચે ઘર્ષણનો ખતરો
તાલીબનોના કાબુલ વિજયને પાકિસ્તાને ફટાકડા ફોડી વધાવ્યો હતો
ગુજરાતીમાં કહેવતો છે કે પાઘડીનો વળ છેલ્લે આવે,હાથના કર્યા હૈયે વાગ્યા અને સંઘરેલા સાપ માલિકને જ દંશ મારે. પાકિસ્તાન માટે આ બધી કહેવતો સાચી સાબિત થઈ રહી છે. પાકિસ્તાનને આતંકવાદી ફેક્ટરી માનવામાં આવે છે. તાલીબાનો પણ પાકિસ્તાનનું સર્જન હતા. કાબુલ ઉપર 2021 માં તાલીબાનો એક કબજો લીધો ત્યારે પાકિસ્તાને ફટાકડા ફોડીને વિજયને વધાવ્યો હતો. અને હવે એ જ તાલીબાનો અને પાકિસ્તાન સામસામે આવી ગયા છે.
મંગળવારે રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં અંદર ઘુસીને એર સ્ટ્રાઈક કરી તે પછી એ બંને પાડોશી દેશો વચ્ચે નવેસરથી લો યાર ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાકિસ્તાને આ એર સ્ટ્રાઈક તહેરીક એ તાલીબાન પાકિસ્તાન ( ટીટીપી) નામના આતંકવાદી સંગઠનના ઠેકાણાઓ ઉપર કર્યો હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઘુસીને હુમલો કરતા ભુરાયા થયેલા તાલિબાનોએ બદલો લેવાના હાકલા પડકારા શરૂ કર્યા છે.
પાકિસ્તાનને તેના કર્મો નડી રહ્યા છે. પાકિસ્તાનમાં ફૂલેલા ફાલેલા આતંકી કલચરને કારણે સમયાંતરે નવા નવા આતંકી સંગઠનો બનતા જાય છે. ટીટીપી 2007માં અસ્તિત્વમાં આવ્યું હતું. બેતુલ્લાહ મેહસુદના નેતૃત્વ હેઠળ 13 આતંકવાદી સંગઠનો એક છત્ર હેઠળ સંગઠિત થયા હતા. ત્યારથી આ સંગઠન પાકિસ્તાનને ધ્રુજાવી રહ્યું છે. છેલ્લા 17 વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં હજારો હુમલાઓ પાછળ આ સંગઠનનો હાથ છે. ટીટીપીના આતંકીઓએ આત્મઘાતી હુમલાઓ,ટાર્ગેટ કિલિંગ તેમ જ આઇઇડી એટેક દ્વારા અસંખ્ય રાજકીય નેતાઓ,નાગરિકો અને પોલીસ તેમ જ આર્મીના જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ સંગઠનની શક્તિ અને વ્યાપ સામે પાકિસ્તાન આર્મીના હાથ પણ ટૂંકા પડે છે.
ટીટીપીના આતંકીઓએ ભૂતકાળમાં રાવલપિંડી આર્મી હેડક્વાર્ટર,લાહોરની ફેડરલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીના મથક,મનવાન પોલીસ ટર્નિંગ સ્કૂલ તેમ જ પોલીસ એકેડેમી ઉપર પણ હુમલા કર્યા હતા. 2014માં પેશાવરની આર્મી સ્કૂલ ઉપર હુમલો કરી 130 વિદ્યાર્થીઓને મારી નાખવાની ઘટના બાદ પાકિસ્તાન આર્મી આ સંગઠન ઉપર તૂટી પડ્યું હતું. મોટાભાગના આતંકીઓ અફઘાનિસ્તાનમાં ભાગી ગયા હતા. વઝીરીસ્તાન અને અફઘાન પાક સરહદ પરના આદિવાસી વિસ્તારો આ સંગઠનના ગઢ ગણાય છે.
ટીટીપી સાથેની સંધી ભાંગી પડ્યા બાદ પાકિસ્તાન ઉપર અનેક હુમલા
અફઘાનિસ્તાન ઉપર તાલીબાની શાસન આવતા ટીટીપી ઉપર કાબુ મેળવી શકાશે તેવી પાકિસ્તાનને આશા હતી. જો કે તાલીબાની શાસનમાં એ સંગઠન વધુ મજબૂત બન્યું હતું. પાકિસ્તાનની ધારણાથી વિપરીત એ સંગઠન દ્વારા પાકિસ્તાન ઉપર હુમલાઓની સંખ્યામાં ઉલટા નો વધારો થયો હતો. એ સંગઠનને તાલિબાની શાસકો થાબડ ભાણા કરતા હોવાનો પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો.
2021માં તાલીબનોની મધ્યસ્થીથી ટીટીપી અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સંધિ થઈ હતી. પણ બેમાંથી એક પણ પક્ષે એ સમજૂતી ની શરતોનું પાલન ન કરતા હુમલા અને પ્રતિ હુમલાની ઘટનાઓ ચાલુ જ રહી હતી.ત્યાર બાદ વર્ષ 2022 ના ઓક્ટોબર મહિનામાં તાલિબાનોની મધ્યસ્થીથી ફરી એક વખત શ્રેણીબદ્ધ બેઠકો યાજાઈ હતી જેની ફલશ્રુતિ રૂપે બન્ને પક્ષો 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા.
એ આતંકી સંગઠનના 120 કેદીઓને મુક્ત કરવાની શરત પણ પાકિસ્તાને સ્વીકારી હતી અને સમાધાન થયાના અઠવાડિયામાં પાકિસ્તાને 12 આતંકીઓને છોડી પણ દીધા હતા. બીજા તબક્કામાં વધુ 100 આતંકીઓની તાલિબનોને સોંપણીની તૈયારી ચાલતી હતી ત્યાં TTP એ અચાનક જ નવી શરત તરીકે પાકિસ્તાનમાં શરીયા કાનૂન લાગુ કરવાની માંગણી કરી હતી. TTPના આવા વલણને કારણે વાતાવરણ બગડ્યું હતું. ટીટીપીના પ્રવકતાએ યુદ્ધ વિરામના સમય દરમિયાન પણ પાકિસ્તાને હુમલાઓ કરી ટીટીપીના સભ્યોને મારી નાખ્યા હોવાનો અને કેટલાય સભ્યોની ધરપકડ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યાર બાદ ટીટીપીના વડા નૂર વાઝીદ મહેસુબે યુદ્ધ વિરામ અંતની એકતરફી જાહેરાત કરી અને પાકિસ્તાનમાં નવેસરથી હુમલા શરૂ કરી દેવાનો આદેશ આપી પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો.
સમજૂતી ભાંગી પડ્યા બાદ ડિસેમ્બર મહિનામાં ચમન બોર્ડર પર અફઘાનિસ્તાની સેઈનીકોએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાનના છ નાગરિકોના મોત થયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. વળતા ગોળીબારમાં એક અફઘાન સેઈનીકનું મૃત્યુ થયું હતું. અન્ય એક બનાવમાં જાની ખેલ નામના સરહદી ગામમાં પાકિસ્તાનના રહેમાન જમાન નામના સેઈનીકની ગળું કાપી ને હત્યા કરાયેલી લાશ વૃક્ષ ઉપર લટકતી હાલતમાં મળી આવી હતી. સાથે એક ચિઠ્ઠી પણ હતી જેમાં મૃતકના જનજા માં સામેલ થનાર લોકોના પણ એવા જ હાલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ હત્યા અફઘાનિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તહેરીક એ તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકીઓએ કરી હતી. એ પછી તાલિબાની સૈનિકો અને પાકિસ્તાનના સુરક્ષા દળો વચ્ચે સરહદ ઉપર ઘર્ષણની અનેક નાની મોટી ઘટનાઓ બનતી રહી છે.
પાકિસ્તાન અગાઉ પણ અફઘાનિસ્તાન ઉપર અનેક વખત હુમલા કરી ચૂક્યું છે
મંગળવારે પાકિસ્તાન એ કરેલી એર સ્ટ્રાઈક એ કોઈ એકલદોકલ ઘટના નથી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં અંદર ઘુસીને કરેલા હુમલાનો ઇતિહાસ ખૂબ મોટો છે. માર્ચ મહિનામાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ચીનના પાંચ એન્જિનિયરો માર્યા ગયા બાદ ચીને લાલ આંખ કરતાં પાકિસ્તાન ધ્રુજવા લાગ્યું હતું. પાકિસ્તાનમાં ચીનના 29,000 નાગરિકો વસે છે. તેમાંથી 2,500 ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં કામ કરે છે.
એ બધાની સલામતી સુનિશ્ચિત કરવા ચીને માગણી કર્યા બાદ પાકિસ્તાને માર્ચ મહિનામાં અફઘાનિસ્તાનના થોસ્ત અને પાક ટીકા પ્રાંતમાં ઇન્ટેલિજન્સ આધારિત એર સ્ટ્રાઈક કરી હતી. તેમાં હાફિઝ ગુલ બહાદુર નામના ટીટીપી સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠનના વડા સેહરા ઉર્ફે જનાનનું ઢીમ ઢળી ગયું હતું. એ સંગઠનના ટોચના કમાન્ડર અબ્દુલ્લા મહેસુદ ના ઘરને
પાકિસ્તાને નિશાન બનાવતા તેની પત્ની અને સગીર વયના પુત્ર માર્યા ગયા હતા.
એ પહેલા 2022 માં યુદ્ધ વિરામ સંધિ નું બાળ મરણ થયા બાદ ટીટીપી દ્વારા અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર પાક જવાનો ઉપર હુમલાના બનાવોમાં વધારો થવા લાગ્યો હતો. એ વર્ષની 14મી એપ્રિલે પાકિસ્તાન આર્મીના એક વાહન ઉપરના હુમલામાં સાત સેઈનીકો અને તેની સાથે રહેલા ચાર અન્ય લોકોના મૃત્યુ થયા હતા. એ ઘટનાના આગલા દિવસે પણ શામ અને મીરાલી ખડી વિસ્તારમાં ટીટીપીના આતંકીઓએ ખુરમ જિલ્લામાં ટીટીપીએ પાંચ પાકિસ્તાની સેઈનીકોની લોથ ઢાળી દીધી હતી. ઉપરા છાપરી થયેલા આ હુમલા બાદ વળતાં પગલાં તરીકે પાકિસ્તાને અફઘાન સરહદમાં ઘૂસીને સરહદ નજીક આવેલા ચાર ગામડાઓમાં રહેણાંક વિસ્તારો ઉપર બોમ્બર્ડિંગ કરતાં 47 લોકોના મૃત્યુ થયા હતા.મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. કુનાર વિસ્તારમાં પાકિસ્તાની એર સ્ટ્રાઈકમાં પાંચ બાળકો સહિત સાત લોકોના મૃત્યુ થયા હતા. હુમલાની આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા.
પાકિસ્તાને અફઘાન સીમામાં પ્રવેશી હુમલા કર્યા તેનાથી તાલિબાનો ઉશ્કેરાયા હતા. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલાહ મુજાહિદે પાકિસ્તાનને તાલિબાનોની ધીરજની કસોટી લેવાનું બંધ કરવાની અને ભવિષ્યમાં આવા બીજા કોઈ દુ;સાહસના અતિ ખરાબ પરિણામ આવવાની ચેતવણી આપી હતી. આ ધમકીના પ્રતિભાવરૂપે પાકિસ્તાને જો તહેરીક એ તાલિબાન સામે અફઘાન સરકાર પગલાં નહીં લે તો પાકિસ્તાન પોતાની રીતે હિસાબ સમજી લેશે એવી વળતી ધમકી આપી હતી.એ પછી બંને દેશો વચ્ચેના સંબંધ કથળતા ગયા છે.
કુદરતનો ન્યાય કેવો અદભુત છે? તાલિબાનોને ઉભા કરવામાં પાકિસ્તાનનો ફાળો હતો. તાલિબાનોએ કાબુલનો કબજો લીધો ત્યારે તત્કાલીન પાક વડાપ્રધાન ઇમરાન ખાને એ ઘટનાને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્તિ સમાન ગણાવી હતી. તાલિબાનો ઉપરના વર્ચસ્વનો લાભ લઇ અફઘાનિસ્તાનમાંથી ભારતનો કાંકરો કાઢી નાખવાનું પાકિસ્તાન સ્વપ્ન જોતું હતું તેને બદલે તાલિબાનો હવે પાકિસ્તાનને ગાંઠતા નથી. મંગળવારે પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધવાની અને સરહદ ઉપર અફઘાન સૈનિકો અને પાકિસ્તાનની સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થવાનો ખતરો તોળાઇ રહ્યો છે.